સુરત, -

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૨મા પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના 111 અભ્યાસક્રમોના 36,614 યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 85 પી.એચ.ડી. તથા 14 એમ.ફિલ ધારકોને પદવીઓ એનાયત થઈ હતી.

રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દિક્ષા અર્પણ કરી અંતમાં 'સત્યંવદ, ધર્મં ચર અને સ્વાધ્યાયાં મા પ્રમદ:'- સત્ય બોલવા, ધર્મનું આચરણ અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધર્મ એટલે પોતાના માટે જે સારું ઈચ્છો તેવું જ બીજાના માટે ઈચ્છો તે જ ધર્મ છે તેમ જણાવી સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા તેમણે જણાવ્યું હતુ. વાદળ વર્ષારૂપે વરસીને જેમ ધરતીની તરસ છીપાવે છે તે જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવોનો આપણો સંસ્કૃતિ ભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ. 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ' જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું સન્માન થાય ત્યાં દેવતાઓનો વાસ રહે છે તેમ જણાવીને દિકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનાવવાની તેમણે હિમાયત કરી હતી.

ગુજરાતની ભૂમિ બહુરત્ના છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, ગુજરાતની ધરતી સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણવર્મા જેવા મહાન પુરૂષોની ભૂમિ છે. દેશને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ધરતીના સંતાન છે. તેમણે વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું કે, જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજયપાલએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સુવર્ણપદક મેળવનારા વિદ્યાર્થીઓની ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.