સુરત -

સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ઘલા ગામે રહેતી બે મહિલાઓ મોપેડ લઈ સુરત જવા નીકળી હતી. તે સમયે ચોર્યાસી ટોલનાકા નજીક એક ટ્રેલર ચાલકે મોપેડને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મોપેડની પાછળની સીટ ઉપર બેસેલ મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે મોપેડ ચાલક મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાનાં ઘલા ગામે નિશાળ ફળિયામાં રહેતા ફાતમા ઇસુપ કારા નાઓ ગતરોજ ગામમાં સરકારી દવાખાનાની સામે રહેતા તસલીમ બાનું શોયબ શેખ સાથે મેસ્ટ્રો મોપેડ નંબર જીજે-05-એમ.એચ-6417 પર સવાર થઈ સુરત ઉધના ખાતે જવા નીકળ્યા હતા. તે સમયે ચોર્યાસી ટોલનાકા નજીક ને.હા.ન-48 ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂર ઝડપે હંકારી આવેલ ટ્રેલર નંબર આર.જે-06-જીસી-2258ના ચાલકે આ મોપેડને અડફેટે લીધી હતી. સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર બંને મહિલાઓ નીચે પટકાઈ હતી. જેમાં ફાતમાંબેનના શરીર ઉપરથી ટ્રેલરનું વ્હીલ ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે તસલીમ બાનુંને શરીરે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચાલક ટ્રેલર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.