સુરત-

હાલમાં જ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે કે, 60થી વધુ ઉંમરના કાર્યકર્તા અને ત્રણ ટર્મથી ચૂંટાતા આવતા લોકોને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં. જેને લઇ ભાજપમાં અંદરોઅંદર વિવાદ સર્જાયો છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ નવા ચહેરાઓને તક આપી રહી છે પરંતુ આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. તેમાં આમ આદમી પાર્ટી અને NCPના પક્ષ દ્વારા પણ ચૂંટણી લડવામાં આવશે. રેશમા પટેલે સુરત ખાતે જે પ્રથમ યાદી જાહેર કરી હતી તેમાં 20 જેટલા ઉમેદવારો હતા. આ યાદીમાંથી 10 જેટલા લઘુમતી સમાજથી આવતા ઉમેદવારો છે. મહિલાની વાત કરવામાં આવે તો, પાંચ જેટલી મહિલાઓ પ્રથમ યાદીમાં સામેલ છે એવું જ નહીં ખાસ ડીંડોલી જેવા વિસ્તારમાં કે જ્યાં પરપ્રાંતીય લોકોની સંખ્યા વધારે છે ત્યાં પણ છ જેટલા પરપ્રાંતીય સમાજથી આવેલા લોકોને NCP એ ટિકિટ આપી છે. સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગ જોવા મળતી હતી પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને NCP દ્વારા પોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારતા જ રસાકસીનો માહોલ જોવા મળશે. આ વખતે આમ આદમી પાર્ટી અને NCP એ ખાસ વોટબેન્કને ધ્યાનમાં રાખી પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અત્યાર સુધીના ઉમેદવારોની લિસ્ટમાં આમ આદમી પાર્ટીએ શિક્ષિત યુવાઓને મેદાને ઉતાર્યા છે જ્યારે NCP એ ખાસ વિશેષ સમુદાયના લોકોને ધ્યાનમાં રાખી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.