સુરત-

વેસુ વિસ્તારમાં રાત્રિના સમયે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કમિશનરના જાહેરમાં ઉજવણી ન કરવાના જાહેર નામાનો ભંગ થતો સ્પષ્ટ રીતે જાેવા મળે છે. યુવક દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની સાથે સાથે જાહેરમાં આતશબાજી પણ કરવામાં આવે છે. પોલીસ દ્વારા આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિવાળી સમયે પણ મર્યાદિત સમય દરમિયાન ફટાકડા ફોટડવાની મનાઈ હોવા છતાં જાહેરનામાના લીરે લીરા ઉડાવવામાં આવ્યાં છે.

વેસુ વિસ્તારના નામે વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કથિત રીતે રાજકીય પાર્ટીનો કાર્યકર નિયમોનો ઉલ્લંઘન કરીને આતશબાજી સાથે જન્મ દિવસની ઉજવણી કરતો હોવાનું સામે આવી રહ્યું છે. જાહેરમાં કેક કાપીને આતશબાજી કરવાની સાથે સાથે મિત્રોને પણ કેક કાપીને ખવડાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

દિવાળીના સમયે પણ મર્યાદિત સમયમાં ફટાકડા ફોડવાની પરવાનગી હોવા છતાં જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડાયા હતાં. પોલીસ કમિશનર દ્વારા છેલ્લા ઘણા સમયથી જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ત્યારે અગાઉ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનારા લિંબાયત, અડાજણ અને વરાછામાં ટીઆરબી જવાનો વિરૂધ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ વીડિયોના આધારે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.