સુરત-

સુરતના ઘોડદોડ રોડ પર કરીમાબાદમાં રહેતા ખોજા સમાજના ઉદ્યોગપતિ અનવર દુધવાલાના પુત્ર કૌમિલ દૂધવાલા (32) ને પોલીસે અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કર્યો છે. અપહરણકારોએ કૌમિલનું અપહરણ કરી તેના પિતા પાસેથી 3 કરોડની ખંડણી માંગી હતી. અપહરણ કરનાર ચાર આરોપીઓમાંથી બેને પોલીસે ભરૂચ ટોલનાકાથી ધરપકડ કરી છે. ચારેય પાસેથી બે રિવોલ્વર પણ મળી આવી છે. હાલ બે આરોપી ફરાર છે.

મળતી માહિતી મુજબ કૌમિલ ઘરથી જીમ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. તે દરમિયાન ઘરથી સાત મીટર દૂરના અંતરેથી રસ્તામાં આંતરીને બાઈકને સાઈડમાં કરીને અપહરણકારો ફોર વ્હિલર કારમાં અપહરણ કરી ગયા હતાં. અપહરણ સ્થળેથી યુવકનું બાઈક અને બૂટ પણ મળી આવ્યાં હતાં. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી હતી. જેમાં સફેદ રંગની સ્કોડા કાર જોવા મળી હતી. જોકે પોલીસે કારનો નંબર જોયો ન હતો. જણાવીએ કે, ખોજા સમાજના વેપારી અને બેગના હોલસેલરના પુત્રના અપહરણને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવાની સાથે પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી. કૌમિલનું અપહરણ કર્યા બાદ અપહરણકારોએ તેના પિતાના મોબાઇલ પર ફોન કર્યો હતો અને 3 કરોડની ખંડણી માંગી હતી. સવારે 8.30 વાગ્યે ફોન આવ્યો હતો. આ દરમિયાન ખંડણી ન આપવા પર તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જો કે, પકડાય તેવા ડરથી અપહરણકારો કામરેજ નજીક કૌમિલ છોડીને ફરાર થઈ ગયા હતા. અપહરણકારોની પકડમાંથી છૂટકારો મેળવ્યા બાદ કૌમિલ વરાછા પહોંચ્યો હતો. જ્યાંથી તેણે પરિવારને જાણ કરી હતી.