સુરત-

સુરત શહેર અને ગ્રામ્ય મળીને આજે બપોર સુધીમાં જ કોરોના વાયરસના નવા 206 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરત ગ્રામ્ય વિસ્તારમાં નોધાયા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. કારણ કે ગ્રામ્યના લોકો મોટાભાગે કામ અર્થે સુરત શહેરમાં આવતા હોઇ છે. જેથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. સતત વધતા કોરોના સંક્રમણને કારણે આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઇ ગઇ છે. એક તરફ તમામ ઉદ્યોગો તેમજ ધંધા-રોજગાર શરૂ કરી દેવામાં આવ્યા છે, અને બીજી તરફ કોરોનાના કેસ વધી રહ્યો હોવાથી સુરતમાં ચિંતા વધી છે.

સુરતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા આખા દિવસ દરમિયાન 250ની આસપાસ રહે છે. પરંતુ આજે બપોર સુધીમાં જ આ આંકડો 200ને પાર થઇ ગયો છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી બપોર સુધીમાં જ 206 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં આ કેસમાં વધારો નોંધાય શકે છે. 

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બપોર સુધીમાં જ 112 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા સાત હજારને પાર થઇ ગઈ છે. અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં કુલ 7,061 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં બપોર સુધી 94 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદમાં શહેરમાં કુલ કેસની સંખ્યા 20,537 થઈ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી કુલ કેસની સંખ્યા 27,598 પર પહોંચી છે. જયારે અત્યાર સુધીનો મૃત્યાંક 907 થયો છે.