સુરત-

1999થી શહીદોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય આપવામાં આવે છે. કારગીલ યુદ્ધ સમયથી 'જય જવાન નાગરિક સમિતિ'એ શરૂ કરેલી શહીદ પરિવાર સન્માન અને સહાયની પ્રવૃત્તિ તાજેતરના ગલવાન ઘાટી હુમલાના શહીદો સુધી વિસ્તરી છે. 'દેશ અને સમાજ તમારી સાથે છે' એવા સધિયારા સાથે સહાય આપવામાં આવે છે. સુરતની 'જય જવાન નાગરિક સમિતિ'એ વડોદરા જઈને જુલાઈ-2019માં વીરગતિ પામેલા શહેરના શહીદ આરિફ પઠાણના પરિવારને રૂપિયા 2 લાખની સહાય અર્પણ કરી હતી. 24 વર્ષીય આરિફ પઠાણ જમ્મુ કાશ્મીર બટાલિયન 18માં તૈનાત હતાં. સમિતિના ટ્રસ્ટી કાનજીભાઈ ભાલાળાના દિશાદર્શન હેઠળ દેવચંદભાઈ કાકડિયા અને સુરેશભાઈ પટેલે આ પરિવારના વડોદરા નિવાસ સ્થાને જઈને સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, સમિતિ શહીદોના પરિવારોને મદદરૂપ બની દેશસેવામાં યોગદાન આપવાનો સંતોષ અનુભવે છે. દેશની સરહદની રક્ષા કરતાં પ્રાણોનું બલિદાન આપનાર જવાનોના પરિવારોને આર્થિક સહાયતા દ્વારા હૂંફ આપીએ છીએ. કારગીલ યુદ્ધના 12 જવાનોના પરિવારોને રૂપિયા ચાર-ચાર લાખની સહાયતાથી સેવા પ્રવૃત્તિ શરૂ કરી હતી. પુલવામા હુમલાના શહીદ ૪૩ જવાનો અને ચીની સૈનિકો સાથે ગલવાન ઘાટી સંઘર્ષમાં શહીદ 43 જવાનો અને ગલવાન સંઘર્ષના શહીદ 20 જવાનોના પરિવારોને પણ આર્થિક મદદ કરી છે.