સુરત-

સુરત સિવિલ હોસ્પિટલના કોવીડ સેન્ટરમાં કામ કરતા સફાઈ કામદારોને પગાર ચુકવવામાં નહીં આવતા તેઓ હડતાલ પર ઉતરી આવ્યા છે. કામ કરતા કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર ઉપર 3 મહિનાનો પગાર નહીં ચૂકવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. સફાઈ કર્મચારી ઈરફાન ખાને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે અમને બે મહિનાનો પગાર આપવામાં આવ્યો નથી. નુરા, બુલાબ, સતીષ, ગાધિ અને ભરત નામના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતાં. પગાર નહીં આપવામાં આવે તો અમે ભૂખ હડતાલ કરીશુ.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કોવિડ કેર સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ લાંબા સમયથી સેવા બજાવી રહ્યાં છે. આ કર્મચારીઓ 10 મહિનાથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. તેઓને બે મહિનાથી પગારથી વંચિત રાખવામાં આવ્યા છે. આ અંગે વારંવાર ફરિયાદ કરાયા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકાવાયો નથી. પગારની વાત કરાય તો કોન્ટ્રાક્ટર દ્વારા આંખ આડા કાન કરાય છે. ત્યારે આજે ગુસ્સે થયેલા કર્મચારીઓએ હોસ્પિટલની બહાર હોબાળો મચાવ્યો હતો. 500 થી વધુ કામદારો એકત્ર થઈને પગાર આપવાની માંગ કરી રહ્યાં છે. આ કામદારોમાં સૌથી વધુ મહિલા કર્મચારીઓ છે.બે મહિનાથી પગારથી વંચિત સુરત નવી સિવિલના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 500 જેટલા કોરોના વોરિયર્સે આજે હોસ્પિટલની બહાર મોરચો માંડ્યો છે. સવારથી આ તમામ કર્મચારીઓ હોસ્પિટલની બહાર મોરચો માંડીને બેસ્યા છે. જ્યા તેઓએ એક જ માંગણી કરી છે કે, આજે જ અમારો પગાર કરો. પગાર ન મળતા કામદારો હડતાળ પર ઉતર્યા છે. તો સાથે જ આજે જ પગાર આપવાની માંગ કરી રહ્યાં છે.