સુરત-

શહેરમાં એક 11 દિવસની બાળકી કોરોના સંક્રમિત થઈ ગઈ છે. આ બાળકીને હાલ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી છે. બાળકીની ગંભીર પરિસ્થિતિ જોઈને ડોક્ટરો દ્વારા રેમડિસીવીર ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. તેમ છતાં બાળકીની સારવાર માટે પ્લાઝમાની જરૂર પડતા સુરતના પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલે પ્લાઝમા ડોનેટ કરીને માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. થોડા દિવસ અગાઉ જ બાળકીની માતા પ્રસૂતિ માટે સુરતના ડાયમંડ હોસ્પિટલ ખાતે દાખલ થઇ હતી. તે સમયે માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બાળકીને જન્મ આપ્યા બાદ બાળકીમાં કોરોનાના લક્ષણો દેખાતા બાળકીનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા જ બાળકીને ખાસ ICUમાં દાખલ કરીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બાળકીની ગંભીર સ્થિતિને જોઈને ડોક્ટરો દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં બાળકીની સ્થિતિ સ્થિર ન થતા બાળકીને પ્લાઝમાની જરૂર ઉભી થઈ હતી. બાળકીને પ્લાઝમાની જરૂર હોવાનું જાણવા મળતા અગાઉ કોરોના સંક્રમિત થઈ ચૂકેલા સુરતના પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ સામે આવ્યા હતા. તેમણે સ્મીમેર હોસ્પિટલ પહોંચીને બાળકી માટે પ્લાઝમા ડોનેટ કર્યું હતું. તેમણે પ્લાઝમા ડોનેશન માટેના નીતિ નિયમો મુજબ નવજાત બાળકીની સારવાર માટે પ્લાઝમા ડોનેટ કર્યા હતા. પ્લાઝમા ડોનેટ કર્યા બાદ ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, 11 દિવસની બાળકી સહિત તેના માતા-પિતા પણ કોરોના પોઝિટિવ થતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. બાળકીને હાલ પ્લાઝમાની જરૂર હોવાથી સમય બગાડ્યા વગર બાળકીને પ્લાઝમા ડોનેટ કરવા સીધો આવી પહોંચ્યો હતો.