સુરત-

સુરતના નાના વરાછા ખાતે આવેલા હેલ્થ સેન્ટરની બહાર 200 જેટલા હેલ્થ વર્કરોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં અમે પોતાનો જીવ જોખમમાં નાખીને ઘરે ઘરે જઈ સર્વે કર્યો હતો તેમજ તંત્રની તમામ કામગીરી સમયસર કરી હતી. પરંતુ આજદિન સુધી પગાર ચૂકવાયો નથી અને સમયસર પગાર થતો નથી. એટલું જ નહિ મૂળ પગાર 12 હજાર હોવા છતાં માત્ર 7,650 રૂપિયા જ આપવામાં આવતા હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ અગાઉ પણ તેમણે કોન્ટ્રાકટરને અનેક રજૂઆતો કરી હતી. પરંતુ માત્ર ધક્કા જ ખવડાવવામાં આવતા હતા. આથી નાછૂટકે આ હડતાળ પાડી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે પાલિકાના નાયબ આરોગ્ય અધિકારી એ. પી. ભટ્ટે જણાવ્યું હતું કે મનપા દ્વારા એજન્સીને પગાર ચૂકવી દેવામાં આવ્યો છે. પરંતુ એજન્સીએ વર્કરોને પગાર ચૂકવ્યો નથી. આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.  કર્મચારીઓને સમયસર પગાર પણ ન મળતા અને રૂ. 12 હજાર પગાર હોવા છતાં માત્ર રૂ. 7,650 જ આપવામાં આવતા હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો.