સુરત-

કોઈપણ ચૂંટણી હોય એમાં ભાજપ માટે સૌથી મોટા પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય છે. આ જ કારણ છે કે, સુરતના સોશિયલ મીડિયામાં સુરત મહાનગરપાલિકાની 120 બેઠકના ઉમેદવારોના ચહેરાની જગ્યાએ અનેક જગ્યાએ નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળે છે. આ 120 બેઠક પર જાણે નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા હોય તેવો ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. જેથી મતદાતાઓને આકર્ષી શકાય. મોટાભાગે અનેક વાર બનતું હોય છે કે, વોર્ડમાં ઉમેદવારોને લોકો ઓળખતા નથી અને એ જ કારણ છે કે, સોશિયલ મીડિયામાં ઉમેદવારોની તસવીરની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળી રહી છે.

સુરત ભાજપના IT સેલ સંભાળનાર અને પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેરી અરોરાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે અમને ફિટ રહેવાનું જણાવ્યું છે. ફિટ રહેવાનું તમારી માટે સ્વાસ્થ્યની સાથે સાથે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું પણ છે. અમારી માટે FIT એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પણ છે. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી અને સ્થાનિક સ્તરે સરકારે જે પણ કાર્ય કરાયા છે. તેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આપી રહ્યા છીએ.હાલ જ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ઉમેદવારો તરીકે દેખાડવામાં આવી છે. કોઈ કાર્યકર્તા દ્વારા બનાવવામાં આવેલો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કારણ કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ કરતા હોય છે અને ઘણા લોકો માત્ર વડાપ્રધાન ને જોઈને મતદાન આપતા હોય છે.