સુરત-

રાત્રિ કરફ્યુના કારણે હોટેલ અને રેસ્ટોરેન્ટ ઈન્ડસ્ટ્રીઝની જેમ ટેક્સટાઈલ ગુડ્સનું વહન કરતી ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને પણ મોટી અસર થઈ છે. રાત્રિ કરફ્યુના કારણે કાપડ ડિસ્પેચીંગ અને ડિલીવરીને લઈને અસર નોંધાય છે. જેની સીધી અસર 400 કરોડના ડિસપેચ પર પડી રહી છે.

સુરતમાં કોરોના સંક્રમણ વધતાં રાજ્ય સરકાર દ્વારા સુરત સહિત અન્ય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જેને લીધે સુરતમાં ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝને નુકસાન થઈ રહ્યું છે. સુરત ટેક્સટાઇલ ગુડસ અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ યુવરાજ દેસળે જણાવ્યું હતું કે, સુરતથી દરરોજ સાડા ત્રણસો જેટલા ટ્રકો ડિસ્પેચ થઈ અન્ય રાજ્યોમાં જતા હોય છે. આ તમામ કાપડ ટેક્સટાઇલ માર્કેટથી ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં આવે છે. વર્ષોથી સુરતમાં ટ્રાફિક અને વ્યવસ્થાના કારણે આ કાપડ ટ્રકમાં રાત્રી દરમિયાન લોડ કરવામાં આવતું હોય છે. સાંજ થી રાત દરમિયાન ચાલતું આ કામ રાત્રી કર્ફ્યુના કારણે અટવાયું છે. સુરત ટેક્સટાઇલ ગુડસ અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ યુવરાજ દેસળે વધુમાં જણાવ્યું હતું કે, સુરતથી રોજ 400 ટ્રકોમાં કાપડ ડિસ્પેચ થઈ અન્ય રાજ્યોમાં જતું હોય છે. રાત્રી કર્ફ્યુના કારણે હવે દિવસ દરમિયાન ડિસ્પેચની કમગીરી કરવામાં આવતી હોય છે. જે હાલ 24 કલાક મોડી થવાના કારણે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. ટ્રકો પણ એક દિવસ મોડી જઈ રહી છે. દિવાળી પહેલા જે ટ્રાન્સપોર્ટ માટે કામ ખુબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું તે હાલ રાત્રી કર્ફ્યુના કારણે ડિસ્પેચ કામગીરી મોડી થઈ રહી છે. હાલ જે લગ્નસરાની સિઝન ચાલી રહ્યી છે, આશા હતી કે મોટા પ્રમાણમાં અહીંથી ગુડસ ડીલેવરી થશે પરંતુ રાત્રી કર્ફ્યુના કારણે મુશ્કેલીઓ આવી રહી છે.