સુરત-

કોરોનાની મહામારીના કારણે શુક્રવારે મનપાની પ્રથમ સામાન્ય સભા પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે મળી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,શાસકપક્ષ નેતા, દંડક સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી.જેમાં 'આપ' દ્વારા સામાન્ય સભામાં ભાજપના ધારાસભ્ય હોવાની વાતને લઈને વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો.જેને લઈને સ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને દિનેશ કાછડિયાને ઉંચકીને બહાર લઈ જવામાં આવ્યા હતા.

કોરોનાની મહામારીના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોડી થઇ હતી. આ ચૂંટણીઓમાં સમગ્ર રાજ્યમાં બીજેપીએ ભારે બહુમતીથી જીત મેળવી હતી. આ પરિણામો બાદ સૌની નજર સુરત મનપામાં નવી વરણી થનારા પદાધિકારીઓ પર હતી.સૌની આતુરતાનો શુક્રવારે અંત આવ્યો હતો અને નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પરેશ પટેલ, શાસકપક્ષ નેતા પદે અમિતસિંહ રાજપૂત અને દંડક પદ પર વિનોદ પટેલની પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.આ વરણીની જાહેરાત વચ્ચે આપ' દ્વારા સામાન્ય સભામાં ભાજપના ધારાસભ્ય હોવાની વાતને લઈને વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. હોબાળો વધી જતા આખરે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી અને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને દિનેશ કાછડિયાને ઉંચકીને બહાર લઈ જવા પડ્યા હતા. ઓડિટોરિયમની બહાર પણ બીજેપી અને આપના કાર્યકર્તાઓ વચ્ચે સામસામી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેને લઈને સ્થિતિને અંકુશમાં લેવા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.