સુરત-

સુરતના અશ્વિનીકુમાર સ્મશાન ગૃહની બહાર અરવિંદ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અંતિમ ક્રિયાની વસ્તુઓના વેચાણ કરે છે. અનેકવાર કેટલાક પરિવારજન પોતાના પ્રિયજનોની અસ્થિનું વિસર્જન હરિદ્વાર જઇ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં અરવિંદ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી મૃતકની અસ્થિઓનો વિસર્જન પોતે નિશુલ્ક હરિદ્વાર લઈ જઈ કરતા હોય છે તેઓ મૃતકના પરિવારજનો પાસેથી કોઇપણ શુલ્ક લેતા નથી. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી કોરોના કાળ હોવાના કારણે અરવિંદ કાકાના ત્યાં 1500થી પણ વધુ અસ્થિ એકત્ર થઈ ગઈ છે. તેનું વિસર્જન હરિદ્વાર કરી શકાય એમ નથી આ અસ્થિ વિસર્જનની રાહ જોઈ રહી છે.તેની પાછળનું મુખ્ય કારણ છે કે લોકડાઉન દરમિયાન ટ્રેનો અને હવાઈ માર્ગ બંધ થવાથી આ અસ્થિઓ હરિદ્વાર કઈ રીતે લઈ જઈ શકાય તે મોટો પ્રશ્ન હતો.

કોરોના કાળના કારણે સુરતના અશ્વિનીકુમાર સ્મશાનભૂમિની પંદરસો અસ્થિઓ હરિદ્વારમાં વિસર્જનની રાહ જોઈ રહી છે.હિંદુ ધર્મ અનુસાર મૃતકની અસ્થિનું વિસર્જન હરિદ્વાર ખાતે વહેતી પવિત્ર ગંગા નદીમાં કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ લોકડાઉનના કારણે ટ્રેનોની અવરજવર બંધ થવાથી સુરતથી 1500 જેટલી અસ્થિ જઈ શકી નથી અને ગંગાની વહેતી પવિત્ર ધારામાં તેનું વિસર્જન થઇ શક્યું નથી.