સુરત-

તહેવારો બાદ અચાનક અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસો વધતા સુરત પાલિકા પણ એલર્ટ થઈ છે. બંછા નિધી પાની દ્વારા સુરતના અઠવા ઝોનમાં તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વધુ ભીડભાડ વિસ્તારમાં જો લોકો એકઠા થતા હોય તો તે વિસ્તારને બંધ કરવા અંગે આદેશ આપ્યા છે. ખાસ કરીને સુરતના ડુમસ બીચ પર વીકેન્ડમાં ફરવા જતા લોકો મોટી સંખ્યામાં એકઠા ન થાય તેની પણ સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ વધતા સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવ્યું છે. સુરત પાલિકા કમિશનર બંછા નિધી પાનીએ અલગ અલગ ઝોનની મીટિંગનો દોર શરૂ કર્યો છે. ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરવામા આવી રહી છે. અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં જો વધારે લોકો ઉમટે તો તેને બંધ કરવા આદેશ આપવામાંં આવ્યા છે. શહેરના બીચ પણ પાલિકાની ટિમ સતત નજર રાખશે. આ સાથે સતત વધી રહેલા કેસના કારણે જે દર્દીઓ ઉપર મોનિટરિંગ કરવા માટે પાલિકા દ્વારા ખાસ ફોલોઅપ સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હોમ આઇસોલેશનના દર્દીઓની દર એક કલાકે આખી ડીટેલ પાલિકાના અધિકારીઓ મેળવી રહ્યા છે. જો હોમ આઇસોલેશનના દર્દીઓની તબિયત લથડે અને સુધાર ન આવે તો તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા અંગેની પણ તમામ તૈયારીઓ પાલિકા દ્વારા કરી લેવામાં આવી છે

કોરોના સંક્રમણને લઇ જે બીક હતી તે જ સ્થિતિ હાલ દિવાળી બાદ સામે આવી છે. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ઘરેથી બહાર નીકળ્યા હતા. આ જ કારણ છે કે, અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.ગુરુવારે એક જ દિવસમાં શહેર અને જિલ્લામાં 239 કેસ પોઝિટિવ નોંધાયા છે. છેલ્લા ચાર દિવસમાં શહેરમાં 658 અને જિલ્લામાં 148 કેસો નોંધાયા છે, એટલે ચાર દિવસમાં કોરોનાના 806 કેસનો વધારો થયો છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 40 હજારને પાર કરી 40632 થઈ ગઈ છે.