સુરત-

કતારગામ જીઆઇડીસીમાં કાપડ રોલ પોલીશનું કારખાનું ચલાવતા રામુ સંતરામ ગોસ્વામીની પત્નીના મોબાઇલ પર બે દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પૂજાને આપો એમ કહ્યું હતું. પરંતુ તેઓની પત્નીએ અહીં કોઇ પૂજા નથી અને બીજી વખત કોલ કરતા નહીં એમ કહી ફોન કટ કરી દીધો હતો. રામુ કારખાનેથી જમવા આવતાં તેઓની પત્નીએ અજાણ્યા કોલની વાત કરી હતી અને આ અરસામાં જ પુનઃ કોલ આવ્યો હતો. આ કોલ રામુએ રિસીવ કર્યો હતો અને કોલ કરનારે પૂજાને ફોન આપવા કહ્યું હતું. પરંતુ રામુ કોસાડ આવાસમાં જ રહેતા આલમનો અવાજ હોવાનું ઓળખી જતા રામુએ તેને ઠપકો આપ્યો હતો. જેથી રામુ અને આલમ વચ્ચે ફોન પર જ ઝઘડો થયો હતો. અમરોલી વિસ્તારમાં પત્નીને ફોન પર હેરાન કરનારને ઠપકો આપતાં ત્રણ જણાએ ઘરમાં ઘુસી પત્ની અને પુત્ર સામે જ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.