સુરત-

શહેર પોલીસે ‘ગુજસીટૉક’ હેઠળ અનેક ગુનામાં સંડોવાયેલા રામપુરાના કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે તેના ૨ સાગરિતોને ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ અશરફ નાગોરી હાલ ફરાર છે. અશરફ નાગોરી ગેંગ સુરતના લાલગેટ,અઠવા,ચોકબજાર, મહીધરપુરા,સલાબતપુરા,રાંદેર અને સૈયદપુરા વિસ્તારમાં સક્રિય છે. અશરફ નાગોરી અને તેના સાગરિતો વિરુદ્ધ મારામારી, હથિયારોના વેચાણ અને ખંડણી સહિતના ૨૫થી વધુ ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે.

આટલુ જ નહીં, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં પણ અશરફ નાગોરીનું નામ આવ્યું હતું. જણાવી દઈએ કે, ગુજસીટોક કાયદા હેઠળ અવારનવાર ગુના આચરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનારા માથાભારે તત્વોને જેલમાં ધકેલવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત સોમવારે સ્થાનિક લાલગેટ પોલીસે અશરફ નાગોરી ગેંગના ગુનાહિત ઈતિહાસનો રિપોર્ટ સુરત પોલીસ કમિશ્નર અજય તોમરને સોંપ્યો હતો.

જે બાદ કમિશ્નરે આરોપી અશરફ નાગોરીની ગેંગ વિરુદ્ધ ગુજસીટૉક હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જે અંતર્ગત પોલીસે અશરફ નાગોરી ગેંગના ૨ સાગરિતોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટૉક હેઠળ સુરતમાં આ ત્રીજાે ગુનો નોંધાયો છે. અગાઉ આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.