સુરત-

સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને હાલ જ્યાં સુધી વેક્સીન નહી આવે ત્યાં સુધી માસ્ક જ કોરોના સામે રક્ષણ મેળવવા માટે એક માત્ર આધાર રૂપ છે પરંતુ શહેરમાં ઘણા લોકો એવા છે કે જે માસ્ક પહેરવા મામલે બેદરકારી દાખવી રહ્યા છે. જેની સામે પોલીસ અને પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના આંકડા સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો ૬ મહિનામાં માસ્ક નહિ પહેરનારા ૧૮.૬૦ લાખ લોકો પાસેથી અધધ ૭ કરોડનો દંડ વસૂલાયો છે.

પરંતુ હવે જાે તમે માસ્ક પહેર્યા વગર ગાડી ચલાવશો તે એક હજાર રૂપિયાનો ઈ- મેમો ઘરે પહોંચી જશે. પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં લગાવવામાં આવેલા કેમેરામાં ફોટા પાડીને ઈ મેમો ઘરે મોકલી કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે જેને લઇને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને શહેરીજનો ને અલગ-અલગ તરકીબો અપનાવી માસ્ક પહેરવું સોશિયલ ડીસ્ટન્સ જાળવવું તેમજ કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવા માટે અપીલ કરાઈ રહી છે.

પરંતુ શહેરમાં કેટલાક લોકો એવા પણ છે કે જે આ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે જેનો ભોગ સમગ્ર શહેરીજનો બની રહ્યા છે અને શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં માસ્ક નહીં કરનારા લોકો સામે પોલીસ અને પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે તમને જાણીને નવાઈ લાગશે કે સુરતીલાલાઓએ ૬ મહિનામાં ૭ કરોડનો દંડ ભર્યો હતો.