સુરત-

સુરતમાં કોરોના સંક્રમણ વધવા સાથે મ્યુનિ. તંત્રએ હવે જાહેર પ્રસંગો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. આજે વરાછા બી ઝોનના ગંગા જમુના સોસાયટીની વાડીમાં લગ્ન પ્રસંગ હતો. અહીં વરાછા ઝોનના આરોગ્ય વિભાગે તપાસ કરતા અહીં 100 લોકોની મંજૂરી છતા 250થી વધુ લોકો એકત્ર થયેલા હતા. અને મહેમાનોમાં સોશિયલ ડિસ્ટન્સ વગર ગીચોગીચ બેસાડાયા હતા. આરોગ્ય વિભાગે તાકીદ કરી હોવા છતા લગ્નપ્રસંગમાં લોકોને ઓછા કરાયા નહતા અને આ ઉપરાંત માસ્ક તેમ જ સેનિટાઇઝરનો પણ અહીં ઉપયોગ કરાયો નહતો. આ ઉપરાંત પ્રસંગમાં કોરોના જાગૃતિ અંગેના બોર્ડ પણ લગાડાયા નહતા. આથી આરોગ્ય વિભાગે રાહુલ જીવાણી પાસે રૂ. 5 હજાર દંડ વસૂલ કર્યો હતો. પહોંચમાં કન્યાનું નામ પણ લખવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ સુરતનો આ પ્રથમ કિસ્સો છે. અને દંડની પહોંચ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. લગ્ન પ્રસંગમાં ફટકારાયેલા દંડને લઈને સોશિયલ મીડિયામાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, નેતાઓની રેલીમાં મનપા ક્યાં ગયું હતું તે પણ લોકો સવાલ ઊઠાવી રહ્યા છે.