સુરત-

અંધકાર પર પ્રકાશના વિજયનું પર્વ એટલે દિવાળી. વર્ષના છેલ્લા દિવસે આવતાં આ તહેવારને ઉજવવા માટે સૌ કોઈમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જાેવા મળતો હોય છે. દિવાળીના પર્વ પર લોકો પોતાના વતન જઈને દિવાળીની ધામધૂમથી ઉજવણી કરતાં હોય છે. ત્યારે આ વર્ષે વિદેશમાં દિવાળીની ઉજવણી કરતા સુરતના લોકો દ્વારા વિદેશના પ્રવાસને કેન્સલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે વતનમાં દિવાળી ઉજવણી કરવા પહોંચી ગયા છે. કામરેજ નજીક આવેલા દિગસ ગામના વતની સુરેશભાઈ હાલ નિવૃત જીવન જીવે છે.

સંતાનો અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં સેટ થયા હોવાથી વર્ષ દરમિયાન ત્યાં જ રહે છે. પરંતુ દિવાળી પર લગભગ ૧૪ વર્ષ કરતાં વધુ સમયથી વતનમાં આવીને રચનાત્મક કાર્યો કરવાની સાથે સાથે પૂજન અર્ચન કરે છે. દિવાળીની ઉજવણી પોતાના માદરે વતન કરતાં સુરેશભાઈએ કહ્યું હતું કે, અમેરિકામાં દિવાળી જેવું કશું જ હોતું નથી. ત્યાં માત્ર મંદિરોમાં અને ભારતીય કોમ્યુનિટી હોય ત્યાં જ ઉજવણી કરવામાં આવતી હોય છે.

જ્યારે આપણે ત્યાં પ્રકાશનું પર્વ દિવાળી રંગેચંગે ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિમાં અનેરો ઉત્સાહ હોય છે. સુરેશભાઈએ કહ્યું કે, અમે મુંબઈથી કાશીથી એમ અલગ અલગ જગ્યાએથી બ્રાહ્મણો બોલાવીને દરવર્ષે લક્ષ્મી માતાની પૂજા કરીએ. દિવાળીએ ખાસ પૂજા અર્ચના અને યજ્ઞ સહિતના અનુષ્ઠાન કરવામાં આવે છે. દિવાળી પર્વ આપણને પોઝિટિવ તાકાત આપે છે. આપણા હિન્દુ ધર્મમાં દિવાળીનું ખાસ મહત્વ રહેલું છે જેથી અમે આ તહેવારને ખૂબ ઉત્સાહ અને સંસ્કૃતિના જતન માટે પણ ઉજવતા આવ્યાં છીએ.