સુરત-

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરાની ગબ્બર વાળી ગલીમાંથી ગત રોજ ડુપ્લિકેટ એમ.ડી. ડ્રગ્સ બનાવવાનું કારખાનું મળી આવ્યા બાદ કડોદરા જીઆઇડીસી પોલીસે આ જ વિસ્તારમાં રેડ કરી એક કિલો ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. 

મળતી માહિતી મુજબ કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગબ્બરવાળી ગલીમાં માનસી મિલની સામે વિજયભાઈની બિલ્ડીંગના બીજા માળે આવેલ રૂમ નંબર 13માં ભાડેથી રહેતો એક ઇસમ ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો સંગ્રહ કરી રાખી ત્યાંથી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે છાપો મારી સ્થળ પરથી શશિકાંત શિવદેવસિંગ કુશ્વાહાને પકડી તેની પાસેથી 1.087 કિલોગ્રામ ગાંજો કિમત રૂ. 6 હજાર 552, એક મોબાઇલ ફોન કિમત રૂ. 500, રોકડા રૂ. 10 હજાર 460 મળી કુલ 17 હજાર 482 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં શશિકાંતે જણાવ્યુ હતું કે સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતો અભિષેક ઉડિયા માલી તેને આ જથ્થો પહોંચાડતો હતો અને તે ગાંજાનું કડોદરા વિસ્તારમાં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે શશિકાંતની ધરપકડ કરી છે જ્યારે તેને જથ્થો પૂરો પાડનાર અભિષેક ઉડિયા માલીને વોંટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.