સુરત-

વરાછામાં સોમવારે વહેલી સવારે તસ્કરો ક્રેન અને ટેમ્પો લઈને આવી ૫ લાખના બે એમ્બ્રોયડરી મશીન ચોરી ગયા હતા. વરાછામાં ધરમનગર રોડ પર શારદાવિહાર સોસાયટીમાં રહેતા જનક વિઠ્ઠલ વેકરિયા ભાજીવાલા એસ્ટેટમાં એમ્બ્રોઈડરીનું ખાતું ચલાવે છે. જે હાલ કોરોનાના કારણે બંધ છે અને પોતે વતન છે. સોમવારે સવારે તસ્કરો ક્રેન અને ટેમ્પો લઈને આવી ત્રીજા માળે ખાતાના ગ્રીલના તાળાનો નકુચો કટરથી કાપી દિવાલ તોડી બે મશીન ક્રેનથી કાઢીને ચોરી કરી નાસી ગયા હતા.

ખાતાથી દૂર થોડા અંતરે એક ખાતાની બહાર લાગેલા સીસી કેમેરામાં દેખાય છે કે સવારે ચારેક વાગે ૮ ચોર ક્રેન અને ટેમ્પો લઈ ચોરી કરવા આવ્યા હતા. ૧ તસ્કર પકડાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ચોરે ખાતું પોતાનું છે કહીને ભાડેથી મશીન અને ક્રેન લાવી બિન્ધાસ્ત ચોરી કરી હતી.જનકના બનેવી શૈલેશ હીરાણીએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે.