સુરત-

કોરોનાને લઈને વેક્સિન આગામી ટુંક સમયમાં આવી શકે છે, ત્યારે સુરતમાં તેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વેક્સિનના સ્ટોરેજની પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે આ વેક્સિન કોને અને કેવી રીતે આપવી તેના માટે પણ સર્વે શરુ થઇ ગયો છે. 2,800થી વધારે ટીમ દ્વારા સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. સુરત મનપા દ્વારા કોરોના વેક્સિન માટે આજે ગુરુવારથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે 2800થી વધારે ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ટીમ 50 વર્ષથી વધુ ઉંમરના 11.70 લાખ લોકોને સર્વેમાં આવરી લેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ કોરોનાની રસીને લઈને એક સર્વે હાથ ધરાયો છે. જેમાં રાજ્ય સરકારની સૂચના પ્રમાણે પાલિકાએ મતદાર યાદીના આધારે રસીકરણ માટેની યાદી તૈયાર કરવા માટે ચૂંટણી અધિકારીઓ પાસેથી નામની માંગણી કરી છે. જેને પગલે પાલિકાએ 18થી 50 વર્ષ તથા 50 વર્ષથી વધુની ઉંમરના મતદારોની યાદીઓ માંગી છે. ઉલ્લેખનીય છે કે, હાલ મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ ગત 3 રવિવારથી ચાલી રહ્યો છે. તેમજ 13 ડિસેમ્બર મતદાર યાદી સુધારણાં માટેનો છેલ્લો રવિવાર છે. હાલ મતદાર યાદી સુધારણાં કાર્યક્રમમાં કુલ 1.31 લાખ લોકોએ ફોર્મ ભર્યાં છે. આ ઉપરાંત કુલ 44.05 લાખ મતદારોમાંથી 11.70 લાખ મતદારો 50 વર્ષથી વધુની ઉંમરના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.