સુરત-

દિવાળીના તહેવાર બાદ સુરત સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે. જેને લઈને તંત્રમાં ફરી એકવાર ચિંતા થવા પામી છે. ત્યારે કોરોનાના વધતા કહેર વચ્ચે શહેરમાં દિવાળીના વેકેશન બાદ આજથી કાપડ માર્કેટ શરુ થઈ ગયુ છે. જેને લઈને તંત્ર પણ સતર્ક બની ગયું છે. કાપડ માર્કેટમાં પ્રવેશ કરતા તમામ લોકોનું કોરોના ટેસ્ટીંગ કર્યા બાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે. શહેરમાં 250થી વધુ કાપડ માર્કેટ આવેલી છે. અને આ માર્કેટોમાં 70 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જેને લઈને કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિને લઈ તમામ કર્મચારીઓ અને ખરીદી માટે આવતા લોકો તેમજ વેપારીઓનું કોરોના ટેસ્ટીંગ કર્યા બાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં અગાઉ પણ કાપડ માર્કેટ કોરોનાનું સુપર સ્પ્રેન્ડર બન્યું હતું. દિવાળી વેકેશન બાદ ફરી શરુ થઇ ગયેલા કાપડ માર્કેટને સુપર સ્પ્રેન્ડર બનતું અટકાવવા તંત્ર દ્વારા તૈયારીઓ તો શરુ કરી દેવામાં આવી છે. પરંતુ તે કેટલા અંશે સફળ બને છે તે તો આવનારો સમય જ બતાવશે.