સુરત-

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સાંકડી અને નાની ગલીઓમાં આગ લાગે ત્યારે ત્યાં ફાયર વિભાગના મોટા વાહનો પહોંચી શકતા નથી.ભારે જહેમતના અંતે ફાયર વિભાગ આગના સ્થળ પર પહોંચે ત્યારે ઘણીવાર મોટું નુકશાન પણ થતું હોય છે ત્યારે, આ સમસ્યાના નિકાલ માટે સુરત મનપાએ હોનારતના સમયે ઘટના ઉપર જલ્દીથી જલ્દી કન્ટ્રોલ મેળવી શકે તે માટે આધુનિક 10 ફાયર બાઈકો ખરીદીને ફાયર વિભાગને અર્પણ કરી છે. આ બાઈકો સાંકડી ગલીમાં આગ કે શોર્ટ સર્કિટના બનાવો દરમિયાન ઘટના સ્થળે ત્વરિત ગતિએ પહોંચશે અને આગ બુઝાવવામાં ઉપયોગી નીવડશે.મનપા દ્વારા 73 લાખના ખર્ચે આ 10 બુલેટ બાઈક ખરીદી આધુનિક બનાવી છે આ બાઇકોની અંદર સાયરન, હૂટર, માઈક સિસ્ટમ, 10 લિટરના પાણીના બે સિલિંડર, એક લિટરના ફોર્મ સોલ્યુશન સહીત જરૂરી સાધનો છે.

હાલમાં સુરત શહેરના સેન્ટ્રલ ઝોન, કાપોદ્રા, મોટા વરાછા, વરાછા, કતારગામ, મોરા ભાગળ, માનદરવાજા, ઘાંચી શેરી અને મુગલીસરા ફાયર સ્ટેશનો ખાતે આ બાઈકો મુકવામાં આવી છે. આ અગાઉ વર્ષ 2012માં પણ આવી બે બાઈકો ફાયર વિભાગને આપવામાં આવી છે. સુરત શહેર મનપાના ફાયર વિભાગમાં આ 10 નવી બાઈકો સાથે હવે કુલ 12 ફાયર બાઈકો ઉપલબ્ધ થઇ છે.જેના કારણે ફાયર વિભાગની સ્ટ્રેન્થમાં ઓર વધારો થશે.