સુરત-

વર્ષ 2021નું દેશનું પહેલું કેડેવર ઓર્ગન ડોનેશન વિષ્ણુ પટેલના પરિવારજનોના સહયોગથી સુરતથી ડોનેટ લાઈફ દ્વારા કરાવવામાં આવ્યું હતું. બ્રેઈનડેડ વિષ્ણુ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવરઅને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

ડીંડોલી વિસ્તારમાં રહેતા 57 વર્ષીય વિષ્ણુ પટેલ 30મી ડિસેમ્બરના રોજ વિષ્ણુ પાંડેસરામાં આવેલા પોતાની વિવિંગ ફેક્ટરી પરથી રાત્રે પોતાની મોટરસાયકલ પર પ્રમુખ પાર્ક પાસેના બ્રીજ ઉતરીને પોતાના ઘરે ડીંડોલી તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન રસ્તામાં ગાય આવી જતા તેમને બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ થઇ પડી જતા તેમને માથાના ભાગે તથા ડાબા પગે ઈજા થવાથી સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ડૉક્ટરોએ બ્રેન ડેડ જાહેર કર્યા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં લાગેલા ડોનેટ લાઈફ સંસ્થાના “અંગદાન જીવનદાન”ના પોસ્ટરમાં “અકસ્માતે બ્રેઈનડેડ થયેલા સ્વજનનનું મૃત્યુ તો નિશ્ચિત છે જ... એની સાથે એના અત્યંત ઉપયોગી અંગો પણ નાશ પામશે, પરંતુ એ અંગોનું દાન કરી કિડની, લિવર અને હૃદય નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપીએ...”આ સંદેશ વાંચ્યો હતો. તેથી પરિવારના હિતેશભાઈએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવવા હોસ્પિટલ આવવા જણાવ્યું. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિષ્ણુભાઈના પિતા પ્રહલાદભાઈ, પત્ની આનંદીબેન, પુત્ર આકાશ, પુત્રી પીન્કા અને સોનલ, ભાઈ હસમુખભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, અમે થોડા દિવસ પહેલા જ જશ સંજીવ ઓઝા નામના અઢી વર્ષના બાળકના અંગદાનના સમાચાર વર્તમાનપત્રોમાં વાંચ્યા હતા. ત્યારે અમને લાગ્યું હતું કે, આ એક ખુબ જ ઉમદા કાર્ય છે. જેનાથી બીજી વ્યક્તિઓને નવજીવન મળે છે. આથી જ્યારે અમારા સ્વજન બ્રેનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે તેમનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગદાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.