સુરત-

સુરતમાં હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત રત્નકલાકારને સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કરનાર રત્નકલાકારનું કોરોનાથી મોત થયું છે. રત્નકલાકારના કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ શબ્દો સાચા ઠર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. હોસ્પિટલમાં દાખલ થયાના ત્રણ દિવસે કહેલા શબ્દોના ચાર દિવસ બાદ કોરોનાથી મૃત્યુ થયું છે.

પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસી રહેતા હતા. મૂળ અમરેલી બોરડી ગામના વતની હતા અને સુરતમાં હીરા ઘસી ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની અને એક દીકરો-દીકરી વતનમાં હતા. દરમિયાન 17મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરતા હતા. હું સ્મીમેર હોસ્પિટલમાં છું અહીંયા કોઈ પ્રકારની સુવિધા મળતી નથી. પ્રશાસન દ્વારા જાણ કરે તો ફોટો પાડી જાય અને વીડિયો ઉતારી શું તકલીફ છે એ જાણ કરજો એવા પ્રલોભનો આશ્વાસનો આપી જાય છે. આજે હું ત્રણ ચાર દિવસથી સતત એમ જ પડ્યો છું કોઈ સંભાળ લેતું નથી ફક્ત આશ્વાસન આપી ચાલ્યા જાય છે. વહેલામાં વહેલી તકે મને અહીથી ઉગારો નહી તો હું મરી જઈશ મારી બે હાથ જોડી વિનંતી છે.