સુરત-

કરફ્યૂ અને માસ્કનો નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ હોય તેમ રાત્રે નવ વાગ્યે પણ સિંગણપોર પી.આઇ.નો વિદાય સમારંભ કરફ્યૂ બાદ પણ ચાલતો હોવાના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. આપના પ્રવક્તા યોગેશ જાધવાણીએ આ ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂક્યા હતા અને આ વિદાય સમારંભને કેમ નિયમ નહિ લાગતો હોવાના સવાલ ઉઠાવ્યા હતા. સુરત પોલીસ દ્વારા જ રાત્રી કફ્ર્યુનો ભંગ થતો આ ઘટનામાં જણાઈ રહ્યો છે. સુરતના એક ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજાયો હતો. એ.પી.સલયીયાનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં ક્યાય સોશિયલ ડિસ્ટન્સ જાેવા મળ્યું નહોતું અને કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા. સિંગણપોરના કુમકુમ ફાર્મ હાઉસનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો.

સુરતની આ ઘટના વિશે યોગેશ જાધવાણીએ જણાવ્યું હતું કે પી.આઇ. એ.પી. સલૈયાની સિંગણપોર પોલીસ મથકમાંથી શહેરની જ એક શાખામાં મંગળવારે બદલી થઇ હતી. બુધવારે છેલ્લા દિવસે આ પોલીસ ઇન્સ્પેક્ટરની માનમાં ડભોલી કુમકુમ ફાર્મમાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણને રોકવા માટે લગ્ન કે બીજા કોઇ પણ કાર્યક્રમ રાત્રે આઠ વાગ્યા બાદ યોજવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેનું સિંગણપોર-ડભોલી પોલીસ પોતે ચુસ્તતાથી પાલન કરાવે છે, પરંતુ આ પોલીસે પોતાના કાર્યક્રમમાં આ નિયમને નેવે મૂકી દીધો હતો.
સોશિયલ મીડિયા ઉપર આ વિદાય સમારંભના ફોટો વાયરલ થયા હતા. રાત્રે આઠ વાગ્યા બાદના આ ફોટો હોવાનું જાધવાણીએ જણાવ્યું હતું. લોકોને કાયદાનું ભાન કરાવતી પોલીસને કોણ કાયદાનું પાલન ભાન કરાવશે તેવા સવાલો વચ્ચે આ વિદાય સમારંભ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.