સુરેન્દ્રનગર-

સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથધરવામાં આવી રહ્યાં છે પરંતુ બીજી બાજુ પ્રજાજનોમાં પણ ક્યાંક ને ક્યાંક કોરોના વાયરસ પ્રત્યે ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ 16 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

દિવાળીના તહેવારોની રજા દરમ્યાન છેલ્લા 10 દિવસમાં શહેરની તમામ બજારોમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી હતી અને આવી ભીડમાં અનેક લોકો માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ વગર નજરે પડયાં હતાં. ત્યારે દિવાળીના તહેવાર બાદ જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ સતત વધી જતાં સ્થાનિક તંત્ર સહિત લોકોમાં ચીંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે જિલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક વધીને 2973 થયો હતો. આ તમામ દર્દીઓને હોમઆઈશોલેશન તેમજ શહેરની સી.યુ.શાહ મેડીકલ એન્ડ કોલેજ હોસ્પીટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.