ગાંધીનગર-

ગાંધીનગર જિલ્લાનાં ચિલોડા નજીક આવેલ છાલા ગામ પાસેની હોટલમાં સોમવારે 55 વર્ષીય ઝીણાભાઈ ડેડવારિયાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં આજે વહેલી સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. મૃતક ઝીણાભાઈ ડેડવારિયા ભાજપ તરફથી ગત વિધાનસભાની ચૂંટણી લડ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ચીલોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાનાં ઝીણાભાઈ નાઝાભાઈ ડેડવારિયા ગઈકાલે પોતાના વિસ્તારની રજૂઆત માટે તેઓ ગાંધીનગર આવ્યા હતા. ગાંધીનગરમાં રજૂઆત કર્યા બાદ તેઓ સાંજના સમયે ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલ છાલા ગામ પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ થઈ ગઈ હોવાથી તેમણે જમવા માટેનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપ્યાના થોડા સમય બાદ હોટલનો કર્મચારી તેમને ભોજન આપવા માટે ગયો હતો. ત્યારે ઝીણાભાઈ બેભાન અવસ્થામાં પડ્યા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. જેથી હોટલના કર્મચારી બૂમાબૂમ કરીને હોટલના અન્ય કર્મચારીઓને બોલાવ્યા હતા, એટલું જ નહિ ઝીણાભાઈને સારવાર માટે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.

જ્યાં સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે ઝીણાભાઈને સિવિલના આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે ચીલોડા પોલીસનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મૃતક ઝીણાભાઈના પરિવારજનોને બોલાવી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઝીણાભાઈ ભાજપ તરફથી ચોટીલા બેઠક ઉપરથી ચૂંટણી લડયા હતા, પરંતુ તેઓ કોંગ્રેસના હરીફ ઉમેદવાર ઋત્વિક મકવાણા સામે ચૂંટણી હારી ગયા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ઝીણાભાઈ ગઈકાલે પોતાના વિસ્તારની રજૂઆત માટે ગાંધીનગર આવ્યાં હતાં. ત્યાર બાદ મોઢામાંથી ફીણ નીકળતી અને બેભાન અવસ્થામાં હોટલમાંથી તેમને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન એટેક આવતાં તેમનું મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સાપડી રહી છે. પોલીસ દ્વારા તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. મૃતકના સગાની પૂછપરછ તેમજ પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યા બાદ જ તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળી શકશે.

આ અંગે ગાંધીનગરના ડિવાયએસપી એમ. કે રાણાએ જણાવ્યું હતું કે, મૃતક ઝીણાભાઈને મોઢામાંથી ફીણ નીકળતી અને બેભાન અવસ્થામાંથી હોટલના સ્ટાફ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે સવારે એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. જો કે પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ સાચું તારણ આવી શકશે.