સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના વેજળકા ગામનો શંકર ધરજીયાએ 13 વર્ષની બાળકીને ભોળવી અવાવરું જગ્યાએ લઈ જઈ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. છએક મહિના પછી બાળકીના પિતાએ કુંટુબીજન સાથે બોટાદની હોસ્પિટલમાં દાખલ કરી હતી. 

હોસ્પિટલના MD ડીગ્રી ધરાવતા ડૉક્ટર બી.ડી.ગાબાણી અને સ્ટાફે પૈસાની લાલચમાં આવી 13 વર્ષની બાળકીના જીવને જોખમમાં મૂકી કાયદાનું ઉલ્લંઘન કરી 6 માસના ગર્ભનો પાત કર્યો હતો. મૃત ભૃણ થેલીમાં ભરી કુંટુબીજનોને સોંપી દીધું હતું. ગર્ભપાતનું દર્દ સહન નહીં થતાં સગીરાની તબીયત લથડી હતી. 

સગીરાના કાકીને પિતાએ ઘટનાની જાણ કરી મૃત ભૃણ દેખાડી ઢાંકપિછોડો કરવાનું કહ્યું. પેટના જણ્યા કરતા પણ વધુ પ્રેમ આપી મોટી કરેલી ભત્રીજી સાથે દુષ્કર્મ કરનાર શખ્સ, ગર્ભપાત કરાવનાર કુંટુબીજનો, ગર્ભપાત કરનાર ડૉક્ટર અને સ્ટાફ સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

પીએસઆઈ નિર્મળાબેન સાંકતે બોટાદથી ડૉ.બીડી.ગાબાણી અને 2 સ્ટાફ નર્સને ઝડપી લીધા હતા. જો કે કોવીડ-19 ટેસ્ટ બાદ ડૉક્ટર અને સ્ટાફની અટકાયત કરવામાં આવશે. કાળા કામ માટે વખોડાયેલી ન્યુ પુજા હોસ્પિટલને તાળા મારી દેવામાં આવ્યા છે. દુષ્કર્મ આચરનાર શંકર ધરજીયા અને ગર્ભપાત કરાવનાર કુંટુબીજનોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.