રાજકોટ-

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે ગામડાંમાં પણ કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સંધી કલારીયા ગામમાં આજ દિવસ સુધી એક પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. આ ગામ લોકોની જાગૃતિ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડક પાલન કરીને કોરોનામુક્ત રહ્યું છે. ૭૫૦ લોકોની વસ્તી ધરાવતું સંધી કલારીયા આ ગામ લોકોની જાગૃતિને કારણે કોરોનાના કાળમાં સવા વરસ કરતાં વધારે સમયથી સુરક્ષિત રહ્યું છે.

સંધી કલારિયામાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો તેનું કારણ કડક નિયમો છે. આ ગામમાં સામાજિક મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ચૂંટણી સમયે પણ કોઈને ગામમાં ઘૂસવા નહોતા દેવાયા. ફેરિયાઓ અને ગામ બહારનાં લોકોને ગામમાં આવવા પર તેમજ ગામના લોકોને બહાર જવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામા આવ્યો છે તેનો કડક અમલ કરાયો છે. રમજાન માસમાં ગામની મસ્જિદમાં નમાજ પઢવા માટે મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય છે પરંતુ આ ગામમાં મસ્જિદ બંધ રાખવાનો ટ્રસ્ટીઓએ ર્નિણય લીધો હતો. સ્વયંશિસ્ત જાળવીને લોકો પોતાના ઘરે જ નમાઝ પઢી લે છે. તેના કારણે આજ સુધી આ ગામ કોરોના પ્રૂફ બની રહ્યું છે. ગયા વર્ષે જ્યારે કોરોના આવ્યો ત્યારથી ગ્રામજનો જાગૃત બની અને તકેદારી રાખી રહ્યા છે. લોકોની સતત આરોગ્ય ચકાસણી જેવા અનેક પગલા થકી કોરોનાને ગામમાં આવતો અટકાવ્યો છે.