વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોની સાથે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં સામાન્ય વધારો જાેવા મળી રહ્યો છે. જાે કે, રાજકોટ, અમદાવાદ, વડોદરા, જામનગર જેવા શહેરોમાં લોકલ કોરોના સંક્રમણમાં કોઈ ખાસ સુધારો જાેવા મળ્યો નથી. 

શહેર-જિલ્લામાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ૪૩૭૭ શંકાસ્પદ કોરોનાના દર્દીઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૪૨૬૭ વ્યક્તિઓના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ૧૧૦ પોઝિટિવ કેસો નવા ઉમેરાયા હતા. જેથી કોરોનાના પોઝિટિવ દર્દીઓની અત્યાર સુધી કુલ સંખ્યા ૧૨,૯૪૮ પર પહોંચી હતી. જ્યારે આજે હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર લઈને સાજા થયેલા અને ડિસ્ચાર્જ આપવામાં આવેલ ૬૪ દર્દીઓ સાથે ડિસ્ચાર્જ થયેલ વ્યક્તિઓની અત્યાર સુધી કુલ સંખ્યા ૧૦,૯૨૦ થઈ હતી.

આજે ડેથ ઓડિટ કમિટીએ વધુ એક દર્દીને કોરોનામાં મોત થયું હોવાનું જાહેર કરતાં કોરોનામાં દર્દીઓનો મૃત્યુઆંક ૨૦૫ થયો હતો. હાલ વડોદરા શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૧ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. જાે કે, હાલ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કુલ ૧૮૨૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૧૫૮૪ની સ્થિતિ સુધારા પર, ૧૬૩ દર્દીઓ ઓક્સિજન પર અને ૭૬ દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આજે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, આજવા રોડ, છાણી, ગોરવા, વાઘોડિયા રોડ, સમા, સમતા, ગોત્રી, વાસણા રોડ, તાંદલજા, પાણીગેટ, વીઆઈપી રોડ, અકોટા, તરસાલી, નવીધરતી સહિતના વિસ્તારો તેમજ તાલુકા-ગ્રામ્યના કરજણ, પાદરા, સાવલી, સેવાસી, પોર, ડભોઈ, ઊંડેરા, ભાયલી, કલાલી, વાઘોડિયા અને ખટંબા સહિતના વિસ્તારોમાં કુલ ૪૩૭૭ શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૪૨૬૭ વ્યક્તિઓના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે આવેલા ૧૧૦ કોરોના પોઝિટિવ કેસોમાં સૌથી વધુ વડોદરા ગ્રામ્યમાંથી ૪૧, પશ્ચિમ ઝોનમાંથી ૨૧, ઉત્તર ઝોનમાંથી ૨૦, પૂર્વ ઝોનમાંથી ૧૮ અને દક્ષિણ ઝોનમાંથી ૧૦ કેસો નોંધાયા હતા. આ તમામ પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવ્યું હતું.

ભૂતડીઝાંપા લેથ મશીન કારખાના સંચાલકનું મોત પરિવારની એક ડઝન જેટલી વ્યક્તિ કોરોના સંક્રમિત

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે આવેલ લેથ મશીન સંચાલકનું કોરોનાના કારણે મોત નીપજ્યું હતું. એટલું જ નહીં, મૃતકના પરિવારમાં પણ એક ડઝન જેટલા સભ્યો કોરોના સંક્રમિત બન્યા હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. ભૂતડીઝાંપા આનંદ ચેબ્સર્માં લેથ મશીનનું કારખાનું ચલાવતા અને કારેલીબાગ બ્રાઈટ સ્કૂલની પાછળ આવેલ અનિલપાર્ક સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષીય વ્યક્તિને સામાન્ય શરદી, તાવ, ખાંસીની બીમારી થઈ હતી. જેથી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એક સપ્તાહથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનું મોત નીપજ્યું હતું. તેમની અંતિમવિધિ ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી.

ધન્વંતરી અને આરોગ્ય રથનો પ્રથમ ૧૦૦ દિવસમાં ૫ લાખથી વધુ લોકોએ લાભ લીધો

ધન્વંતરી રથો દ્વારા ઘર સમીપ આરોગ્ય સેવાઓ શરૂ કરવાના પ્રથમ ૧૦૦ દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો. છેલ્લા દસ દિવસ દરમિયાન શહેરના તમામ દવાખાનાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જણાયો હતો. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય સરકારની આરોગ્ય સહાયતાથી વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા છ મહિનાથી સઘન કોવિડ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે જેના કારણે હવે સારા પરિણામો મળી રહ્યા છે. ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, લોકોને ઘર સમીપ આરોગ્ય સેવાઓ મળી રહે અને ખાસ કરીને કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા કે શરદી, ખાંસી, તાવ અને કફના કેસોમાં ત્વરિત સારવાર આપી શકાય તે માટે જુલાઈથી શરૂ કરવામાં આવેલ ધન્વંતરી રથોએ શુક્રવારે કામગીરીના પ્રથમ ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા છે જે દરમિયાન પાંચ લાખથી વધુ લોકોએ તેની આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. છ મહિનાની સઘન અને વ્યૂહાત્મક આરોગ્ય કામગીરીના પગલે છેલ્લા દસ દિવસ દરમિયાન તમામ દવાખાનાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે. શંકાસ્પદ રોગીઓની ભાળ મેળવવા અને સારવાર શરૂ કરવા ઘર મુલાકાત આધારિત આરોગ્ય સર્વેક્ષણ શરૂ કર્યું હતું. પ્રથમ સાત રાઉન્ડ દરમિયાન સમગ્ર શહેરી વિસ્તારને આવરી લઈને આ કામગીરી કરવામાં આવી છે. જે વિસ્તારોમાં કોરોનાનું જાેખમ વધુ જણાય તે વિસ્તારમાં સઘન ઘર સર્વેક્ષણની નીતિ અમલમાં મુકી શુક્રવારના રોજ સર્વેના કુલ દસ રાઉન્ડ પૂરા થયા છે. તા.૧૩થી ૧૬ ઓક્ટોબર દરમિયાન ૧૧મો રાઉન્ડ યોજવામાં આવ્યો છે. તદ્‌ઉપરાંત કોવિડ મેનેજમેન્ટમાં વડોદરાએ હોમ બેઝડ કોવિડ કેરનો મે મહિનાથી વધુ એક આગવો અને સફળ પ્રયોગ કર્યો અને સપ્ટેમ્બર મહિનાથી વધુ અદ્યતન બનાવી તેનો અમલ કર્યો હતો.