રાજકોટ મવડી રોડ આનંદ બંગલા ચોક અશોક ગાર્ડન પાછળ મણીનગરમાં આવેલા કારખાનામાંથી રૂ. ૩૬,૮૧,૯૫૦ની કિંમતની સોનાની પ્લેટ મશીન કાપીને અંદરથી ચોરી કરી લઇ તેમજ સીપીયુ, કોમ્પ્યુટર, સીસીટીવી કેમેરો, ડીવીઆર સહિતની ૨૫ હજારની ચીજવસ્તુઓ પણ ચોરી જવાતાં માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. અગાઉ કારખાનામાં કામ કરી ચુકેલા બે કામદારોએ ચોરી કર્યાની શંકા દર્શાવાઇ હોઇ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. બે શકમંદ કામદારોની અટકાયત કરી પુછતાછ શરૂ કરવામાં આવી છે.

 આ બનાવ અંગે કારખાનેદાર ઢેબર રોડ ગુરૂકુળ સામે ગીતાનગર-૭ બ્લોક નં. ૧૭માં રહેતાં હીમાંશુભાઇ મનહરલાલ જાેગીયા (સોની) (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે શકમંદ પૂર્વ કર્મચારીઓ ગોૈરવ પ્રવિણભાઇ ખીમસુરીયા અને તેજસ ઉર્ફ ભુરો ભરતભાઇ સારેસા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૫૭, ૩૮૦ મુજબ રૂ. ૩૬,૮૧,૯૫૦ની કિંમતના એક કિલો સોનાની પ્લેટ તથા કોમ્પ્યુટર મોનીટર, સીપીયુ, ડીવીઆર, સીસીટીવી કેમેરો, કાળા કલરનો વજનકાંટો, લાલ રંગની ૧૬ જીબીની પેન ડ્રાઇવ મળી ૨૫ હજારની ચીજવસ્તુઓ સાથે કુલ રૂ. ૩૭,૦૬,૯૫૦ની ચોરી કરી જવા અંગે ગુનો નોંધવામાં આવ્યોે છે. માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢકે ગુનો દાખલ કર્યો હતો. પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, મશરીભાઇ ભેટારીયા સહિતની ટીમે તપાસ હાથ ધરી બે શકમંદને પુછતાછ માટે બોલાવી તપાસ શરૂ કરી છે.