વડોદરા : કોરોનાના કેસોમાં ઘટાડો આવતાં સરકાર દ્વારા શાળા-કોલેજાે ઉપરાંત ટયૂશન ક્લાસિસો પણ શરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. ત્યારે ગત માર્ચ માસથી બંધ થયેલી કોર્ટો ફરીથી શરૂ કરવાની માગ વકીલો દ્વારા કરી પ્રતીક ઉપવાસ કરાયા હતા. ૧ ફેબ્રુઆરીથી સરકાર દ્વારા અદાલતોની ફિઝિકલી કાર્યવાહી શરૂ નહીં કરાય તો સવિનય કાનૂન ભંગ કરી વકીલો કાર્યવાહી શરૂ કરી દેશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

કોરોનાના કારણે છેલ્લા ૧૦ માસથી બંધ કોર્ટો શરૂ કરવાની માગ સાથે વકીલમંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. ૩૦ જાન્યુઆરી સુધીમાં ફિઝિકલી કોર્ટો શરૂ કરવામાં નહીં આવે તો તા.૧ ફેબ્રુઆરીથી વકીલો દ્વારા સવિનય કાનૂન ભંગ કરીને ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે તેવી ચીમકી વકીલમંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.વકીલમંડળના પ્રમુખ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, માર્ચ માસથી શરૂ થયેલી કોરોના મહામારીને કારણે કોર્ટો બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા ૧૦ માસથી કોર્ટો બંધ હોવાના કારણે વકીલોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે વહેલી તકે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી અમારી માગણી અને લાગણી છે. વડોદરામાં કોરોના નિયંત્રણ હેઠળ આવી ગયો છે. એક પછી એક તમામ ક્ષેત્રો શરૂ થઈ રહ્યા છે. વેક્સિન પણ આપવાનું શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કોર્ટમાં ફિઝિકલી કામગીરી કરવા માટેની મંજૂરી આપવા માટે માગ કરી છે.

છેલ્લા ૧૦ માસથી કોર્ટ બંધ થવાને કારણે વકીલોની હાલત કફોડી બની ગઈ છે. તા.૩૦ જાન્યુઆરી સુધીમાં ફિઝિકલી કોર્ટ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં નહીં આવે તો ૧ ફેબ્રુઆરીથી વકીલો સવિનય કાનૂન ભંગ કરીને તમામ વકીલો ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે તેવી ચીમકી વકીલમંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.