વડોદરા,તા.૧૩  

વડોદરા મહાનગર પાલિકામાં આઉટ ગ્રોથ વિસ્તારના સાત ગામોને સમાવવા સામે ગ્રામ્ય વિસ્તારની પ્રજાનો પાલિકા સામે આક્રોશ યથાવત રહેવા પામ્યો છે. જેના ભાગરૂપે જુનની મધ્યમાંથી ચાલી રહેલ આંદોલન પાલિકાએ ગ્રામ પંચાયતની કચેરીઓનો પ્રત્યક્ષ કબ્જો મેળવ્યા પછીથી પણ જારી રહેવા પામ્યું છે.આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરાયા પછીથી પણ તંત્ર અડગ રહેતા ગ્રામજનો પણ અડગ રહીને આંદોલન ચલાવી રહ્યા છે.જેમાં આ સાતે સાત ગામમાં વારાફરતી આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને પાલિકામાં સમાવેશનો વિરોધ કરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે સોમવારે સેવાસી અને બિલમાં રામધૂન સાથે પ્રતીક ઉપવાસના કાર્યક્રમ યોજાયા હતા.જે દરમિયાન ગ્રામજનોમાં ખાસ કરીને મહિલાઓએ એકહથ્થુ સત્તાના દુરુપયોગ સામે અને સરકારની લાગણીશૂન્યતા સામે આક્રોશ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જેમાં ગ્રામજનોમાં સત્તાના જોરે ઠોકી બેસાડેલા નોટિફિકેશન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો હતો. બિલ ગામ ખાતે એક કલાકના પ્રતીક ઉપવાસ સાથે રામધુન કરી ત્યારબાદ મૌન રેલી કાઢી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીજીની પ્રતિમા પાસે મૌન પાળીને ગાંધીજીના આદર્શો અને લોકશાહીનું રક્ષણ થાય એના માટે રામધુન કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૮ જૂનના રોજ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને વડોદરાની આસપાસ આવેલ ભાયલી,સેવાસી,બિલ,વેમાલી,કરોડિયા,ઉંડેરા અને વડદલા ગામનો વડોદરા પાલિકામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.એ પછીથી ગણતરીના કલાકોમાં સિક્યુરિટી સાથે ઘસી જઈને પાલિકાના તંત્રએ તમામ ગામની કચેરીઓનો રાતોરાત કબ્જો લઈને પોતાના સુરક્ષા કર્મીઓ ગોઠવી દીધા હતા.ત્યારે આ ગામોનો પાલિકા દ્વારા પૂરો સર્વે કરાયા વિના નિર્ણયો લેવાયાના આક્ષેપો કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.