અમદાવાદ-

આજે 7 ઓક્ટોબર છે ત્યારે આજ તારીખે આજથી 20 વર્ષ પહેલા એટલે કે 7 ઓક્ટોબર 2001માં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સમયે ગુજરાતની કમાન સંભાળી હતી. નરેન્દ્ર મોદીએ એવા સમયે ગુજરાતની કમાન સંભાળી હતી જ્યારે કચ્છમાં ભયંકર ભૂકંપથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતું. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ વધુને વધુ મજબૂત થતુ ગયું. તેઓ સતત 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાત મોડલની સફળતા બાદ નરેન્દ્ર મોદીને ભાજપે 2013માં PM પદના ઉમેદવાર જાહેર કર્યાં. ગુજરાત વિકાસ મોડલથી લઇને 21મી સદીના નવા ભારતના વિકાસ મૉડલને લઇને પીએમ મોદીના વિચારોને મળેલા સમર્થનમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી.

2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે પહેલી વખત સંપૂર્ણ બહુમતિ મેળવી અને 26 મે 2014ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના વડાપ્રધાન બની ગયા સત્તા માં આવ્યાં પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના, મુદ્રા યોજના, જન સુરક્ષા યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, પીએમ આવાસ યોજના, સૌભાગ્ય યોજના, ભીમ-યૂપીઆઇ યોજના, આયુષ્યમાન ભારત અને પીએમ-કિસાન જેવા જનકલ્યાણ કાર્યક્રમ ચલાવ્યાં.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ કરેલી અનેક કામગીરી થકી દેશ અને દુનિયાનું ધ્યાન ખેચ્યુ. ખેતી ક્ષેત્ર અને ખેડૂતોની આવક બમણી કરવા માટે સોઈલ હેલ્થકાર્ડ કરીને કૃષિ મેળાઓ યોજ્યા. ખેતરોમાં અને પીવાના પાણી માટે સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના અમલમાં લાવ્યા. કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો,તેના માટે મુખ્યપ્રધાન તરીકે મળતી ભેટસોગાદોને મોદીએ તોષાખાનમાં જમા કરાવી અને તેની જાહેર હરાજીથી લીલામ કરીને જે કાઈ રકમ ઉપજે તે કન્યા કેળવણી માટે વાપરી.

બેટી બચાવો બેટી પઢાવો સૂત્ર સાર્થક કર્યુ અને બાળ મૃત્યુદર ઘટાડવા ચિંરજીવી યોજના અમલમાં લાવ્યા. ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ગ્રામ મિત્ર યોજના અમલમાં લાવ્યા. તો ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર જતી વિજળીની સમસ્યા ઉકેલવા જ્યોતિગ્રામય યોજના હેઠળ 24 કલાક વિક્ષેપ વિના વિજ પૂરવઠો પૂરો પાડ્યો. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થામાં ગુજરાતને મોખરે મૂક્યુ. એક સમયે સમયાંતરે થતા કોમી હુલ્લડો અને તેના કારણે લાગતો કરફ્યુ ભૂતકાળ બન્યા અને કરફ્યુ મુક્ત ગુજરાત બનાવ્યુ. 

આરોગ્ય ક્ષેત્રે 108 નંબરની સેવા શરૂ કરી. ગુજરાતના આર્થિક વિકાસ માટે દેશ અને દુનિયાના અગ્રણી ઉદ્યોગકારોને વાઈબ્રન્ટ ગુજરાત થકી મૂડીરોકાણ માટે પ્રોત્સાહન આપ્યું. ટુંકમાં ગુજરાતને મોડલ સ્ટેટ તરીકે વિકસાવીને, દેશને મજબૂત નેતૃત્વ પૂરુ પાડી શકે તેવા નેતા તરીકેની છાપ વિકસાવી અને તે સાબિત કરી. 

2014ની લોકસભાની ચૂંટણીમાં વડોદરા અને વારાણસીથી જીતીને સૌપ્રથવાર સંસદ સભ્ય બન્યા અને પ્રથમવાર જ સંસદસભ્ય બનનાર, વડાપ્રધાન બન્યાનું પણ બહુમાન મોદીએ મેળવ્યુ. જો કે પાછળથી વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદીએ રાજીનામુ આપ્યુ. અને વારાણસીના સંસદસભ્ય તરીકે કાર્યરત રહ્યા. 2014માં ભાજપ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ચૂંટણી લડ્યુ. અને એનડીએ 282 બેઠકો જીતીને સત્તાના સુકાન સંભાળ્યા. વડાપ્રધાન મોદીના કાર્યકાળ હેઠળ 2019માં બીજીવાર ચૂંટણી લડાઈ તેમાં વિક્રમી બેઠકો જીત્યા. 

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પણ અનેક કામ કરીને દેશ અને દુનિયાનું ખાસ ધ્યાન ખેચ્યું. આંતરરાષ્ટ્રીયસ્તરે મોદીની કુશળ રાજનેતા તરીકેની નોંધ લેવાવા માંડી. મુસ્લિમ સહીતના દેશોએ, તેમના દેશના સર્વોચ્ચ એવોર્ડ અર્પણ કરીને નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા. 

દેશમાં સ્વચ્છ ભારત માટે મિશન શરુ કર્યું. દેશની જનતાને આપેલા વચનો પૂરા કરવાનું પણ કામ કર્યું. જેમાં જમ્મુ કાશ્મિરમાંથી બંધારણની કલમ 370 રદ કરી. મુસ્લિમ મહિલાઓને ત્રણ તલ્લાક વિરોધી કાયદો ઘડ્યો. ઉરીમાં આતંકી હુમલાનો બદલો સર્જીકલ સ્ટ્રાઈકથી લઈને સૌ કોઈને ચોકાવી દીધા. દેશમાં એક જ ટેક્સ તરીકે જીએસટી લાવ્યા. ભારતીય ઉદ્યોગને ઉત્તેજન આપવા મેક ઈન ઈન્ડિયા ઝુબેશ શરૂ કરી.