વડોદરા : માહિતી અધિકાર હેઠળ માહિતી આપવામાં નિષ્ફળ રહેલા વડોદરાના દશરથ ગામના તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત માહિતી આયોગ કમિશનરે માહિતી નહીં આપનાર તલાટી વિપુલ ચૌહાણને રૂા.૧૦,૦૦૦ના દંડની રકમ ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દશરથ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ ૨૦૦૫ દરમિયાન બાંધકામ સંદર્ભે મંજૂરી મેળવવા ભરૂચના અરજદારે આરટીઆઈ હેઠળ માહિતી માગતાં દશરથ ગામના તલાટી કમ મંત્રી વિપુલ ચૌહાણે માહિતી આપી ન હતી, જેથી અરજદારે ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. જાે કે, જે તે સમયે સુનાવણી દરમિયાન તલાટી કમ મંત્રીએ કોરોના મહામારીમાં પોતે બીમાર હોવાનું કારણ આપી વધુ ૧પ દિવસની મુદત મેળવી હતી.જાે કે, ગુજરાત માહિતી આયોગના આદેશ છતાં જાહેર માહિતી અધિકારીએ સમયમર્યાદામાં માહિતી પૂરી પાડી ન હતી અને અરજી અન્વયે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને તલાટી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા હોઈ ગુજરાત માહિતી આયોગે તલાટી વિપુલ ચૌહાણને જવાબદાર ઠેરવીને માહિતી અધિકારી નિયમની કલમ હેઠળ રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.આ હુકમમાં એમ પણ જણાવ્યું છે કે, દંડની રકમ તેમને પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે અથવા તેમના પગારમાંથી કપાત કરીને ભરપાઈ કરવાની રહેશે. આ આદેશના ૧૫ દિવસમાં દંડની રકમ જમા કરાવવા માટે જણાવ્યું છે.