વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં તાઉ-તે વાવાઝોડું ત્રાટકયું હતું પણ તેની પશ્વાદ અસરના રૂપમાં ચક્રવાતી વેગીલા પવનો સાથે મધ્યમથી ભારે વરસાદ થયો હતો. તેના પરિણામે વૃક્ષો તૂટી પડવા, કાચા મકાનો અને ઝુંપડાં તેમજ વીજપોલને ભારે નુકસાનની ઘટનાઓ બની હતી. ખાસ કરીને એમજીવીસીએલ, વન વિભાગને વધુ અસર પહોંચી હતી. દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારની સોસાયટીઓમાં લાઈટો જવાથી લોકોને તોફાની પવનો અને વરસાદમાં રાત-દિવસ વિતાવવાનો વારો આવ્યો હતો. આજે તાઉ-તે વાવાઝોડાની અરસ નહી વર્તાતાં વીજ કંપનીના સબ સ્ટેશનોમાં ફરિયાદ કેન્દ્રો પર લાઈટો ગયા હોવાની ફરિયાદ સાથે આવેલા ફરિયાદીઓની સબ વીજ સ્ટેશનો પર લાંબી લાઈનો લાગી હતી અને લાઈનમેન ટેકનિશિયનોને લઈ જવા માટે ભારે ચરસાચરસી જામી હતી. એક તબકકે સરદાર એસ્ટેટ રોડ પર આવેલ ઈન્દ્રપુરી સબ સ્ટેશન પર પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે દરમિયાનગીરી કરતાં મામલો થાળે પડયો હતો.

વિતેલા છેલ્લા ૪૮ કલાક દરમિયાન શહેર-જિલ્લામાં તાતકવર વિનાશક તાઉ-તે વાવાઝોડાની અસર વર્તાઈ હતી જેમાં ચક્રવાતી સાથે વેગીલા પવનો ફૂંકાવા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. વેગીલા પવનો સાથે શહેર જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. જેમાં અંદાજે ૧૬૩ જેટલા નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત ૮પ જેટલા વીજપોલ ધરાશાયી થઈ હતા. કેટલાક વિસ્તારોમાં બે દિવસ દરમિયાન લાઈટો ડૂલ થઈ ગઈ હતી. જેના પરિણામે લોકોને રાત-દિવસ લાઈટો વગર અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો. જાે કે, આજે સવારે વરસાદી માહોલ સાથે પવનો ચાલુ રહ્યા હતા. તે બાદ દિવસ દરમિયાન ઉઘાડ નીકળ્યો હતો. જેથી લાઈટો ગયાની ફરિયાદો લખવા માટે લોકો જીઈબીના સબ સ્ટેશનો, રાવપુરા ટાવર, સરદાર એસ્ટેટ, ઈન્દ્રપુરી સબ સ્ટેશન ખાતે ફરિયાદો નોંધાવવા માટે લાંબી લાઈનો લાગી હતી. કેન્દ્રો ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને પગલે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

૧૯૫ અસરગ્રસ્ત સોસાયટીઓ અને ગ્રામ્યમાં ૮ર જેટલી સોસાયટીઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો

વડોદરા, તા.૧૯

વડોદરા શહેર-જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના પગલે ભારે પવન અને વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારો પૈકી ર૪ કલાક વાહનવ્યવહારથી ધમધમતા કોઠી ચાર રસ્તા પાસે આવેલ એમજીવીસીએલનું ટ્રાન્સફોર્મર વીજ થાંભલા સાથે ધરાશાયી થયું હતું. આ સાથે ૧૯૫ જેટલી સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવા માટે એમજીવીસીએલ કંપનીના ટેકનિકલ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ઘરી હતી. જેમાં ૮ર જેટલી સોસાયટીઓ અને ગામોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. જાે કે, હજુ પણ હજારો મકાનો, બંગલાઓ અને ફલેટમાં વીજ પુરવઠો ચાલુ થયો નથી.

બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કુલ ર૧ ફીડરમાંથી ૧૩ ફીડરમાં ઈલેકટ્રીકસિટી રિસ્ટોર કરી દેવામાં આવી હતી અને ૯ કોવિડ હોસ્પિટલોમાં વીજ પુરવઠો પૂર્વવત્‌ કરવામાં આવ્યો હતો. ૮ થાંભલાઓ પૈકી ૪ થાંભલાઓ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૬ ફીડરમાંથી ર૪ ફીડરમાં ઈલેકટ્રિકસિટી રિ-સ્ટોર કરી ગ્રામ્યની ૧૧ કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. ૭૮ થાંભલાઓ પૈકી ર૭ થાંભલાઓ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા. તકેદારીના ભાગરૂપે શહેર જિલ્લાના વહીવટીતંત્ર અને વિવિધ વિભાગના નિયંત્રણ કક્ષોએ ગઈકાલે સતત ત્રીજી નાઈટમાં કામગીરી ચાલુ રાખી હતી અને યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ રાખ્યું છે.

શહેર-જિલ્લામાં થયેલ નુકસાનને સુઘારવા ક્વિક રિસ્પોન્સ ટીમો પહોંચી

વડોદરા ઃ શહેર-જિલ્લામાં તૌકતે વાવાઝોડાને પગલે વિવિધ સ્થળોએ ઝાડ પડવા ,હોંડીગ્સ પડવા તેમજ થાંભલા પડવાની પણ અનેક ધટના બની હતી.જેના નુકશાનને પહોંચી વળવા માટે ક્વિક રીસ્પોન્સ ટીમ તાત્કાલિક ધોરણે કામ કરીને શહેર-જીલ્લાની સ્થિતીને થાળે પાડી હતી.

ગઈ કાલે શહેર-જીલ્લામાં વિવિધ વિસ્તારમાં થાંભલા પડી જતા એમ.જી.વી.સી.એલ. દ્વારા ૫૯ જેટલા થાંભલાનું સમારકામ કરવામાં આવ્યું હતું .તે સિવાય ૧૬૩ વિસ્તારમાં વૃક્ષો પડી જવાની ધટના તેમજ તેની ડાળીઓ વિજ તાર પર પડી જવાથી વિજ પુરવઠો બંધ થઈ જવાની ધટના બની હતી.જેમાં વન વિભાગ ,માર્ગ અને મકાન પુરવઠા વિભાગ પણ મદદે દોડી આવ્યું હતું.અનેક વિસ્તારોમાં રસ્તા બંધ થઈ જવાની ધટનાઓ પણ ધટી હતી.તે સિવાય વિવિધ કોવિડ હોસ્પીટલો વિવિધ સોસાયટીઓમાં પણ વિજ પુરવઠો બંધ થઈ જવાથી તાત્કાલિક કામગીરી શરુ કરીને પુરવઠો ફરી ચાલુ કર્યો હતો.ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનો પડવાની તેમજ ઝુંપડા ઉડવાની પણ ધટના બની હતી.