સુરત-

પાંચ વર્ષ અગાઉ ડોક્ટર પાસે પત્નીનું વજન ઉતારવાની સારવાર લીધી હોવા છતાં પરિણામ નહીં મળતાં તેની અદાવત રાખી સારવાર કરનાર ડોક્ટરનું ગળું કાપી નાંખનારા આરોપીની જામીન અરજી અત્રેની અદાલતે ફગાવી દેતો હુકમ કર્યો હતો. આરોપીએ ડોક્ટર ઉપર હિંસક હુમલો કરી તેમનો મોબાઇલ ફોન અને પર્સની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ આંબાતલાવડી ખાતે સરીતા સોસાયટીમાં રહેતા ડો. અજય નરસિંહભાઇ મોરડીયા વેડરોડ શ્રીજી સોસાયટીમાં શાયોના ક્લિનિક ધરાવે છે. ગઇ તા. ૨જી ડિસેમ્બરના રોજ આરોપી મનોજ ગોરધનભાઇ દુધાતરા તેમની પત્ની પાયલ દુધાતરા સાથે ડો. અજયના ક્લિનિક ઉપર ગયો હતો.

પત્નીએ વજન ઉતારવું હોય તે બાબતે વાતચીત કરી હતી. ડોક્ટર સાથે અડધો કલાક વાતચીત કર્યા બાદ ફી પેટે આપવાના થતાં પાંચ હજાર રૂપિયા ખિસ્સામાં નહીં હોય નજીકના એટીએમમાંથી રોકડા ઉપાડવાના બહાને તે ક્લિનિકની બહાર નીકળ્યો હતો. દસ મિનિટ બાદ પરત ફર્યો ત્યારે ડોક્ટર અજય મોરડીયા તેમની કેબિનમાં હાજર હોય અચાનક ગુસ્સાથી લાલચોળ થઈ લોખંડની આરીથી તેમની ઉપર હુમલો કરી દીધો હતો. બે વખત આરીથી હુમલો કરતાં ડોક્ટરનું ગળું ચિરાઈ ગયું હતું. તે સમયે મારી પત્ની પાયલે પાંચ વર્ષ અગાઉ વજન ઓછું કરવાની તમારી પાસે સારવાર લીધી હોવા છતાં કોઈ ફેર પડયો નથી.

અગાઉની સારવારના રૂપિયા પરત આપવા પડશે. તેવું જણાવી ડોક્ટર અજયનો મોબાઇલ ફોન અને પર્સ લૂંટી આરોપી મનોજ ફરાર થઈ ગયો હતો. આ અંગે ગુનો દાખલ થતાં પોલીસે તેની ધરપકડ કરી જેલને હવાલે કર્યો હતો. જામીન ઉપર મુક્ત થવા આરોપીએ કરેલી અરજીનો મૂળ ફરિયાદી તરફે એડવોકેટ દિલીપ કમાણી દ્વારા વિરોધ કરતી દલીલો કરાઇ હતી. કોર્ટે તેમની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મનોજ દુધાતરાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.