અમદાવાદ-

મોટા તામજામ સાથે શરું કરવામાં આવેલી ભારતની પહેલી સી પ્લેન સર્વિસ પણ રોરો ફેરી સર્વિસની જેમ ડચકા ખાઈ રહી છે. અંદાજીત બે મહિનાથી પણ ઓછા સમય પહેલા ૩૧ ઓક્ટોબરના રોજ ભવ્ય શરુઆત પછી અંદાજીત ૫૦ દિવસોમાં માત્ર ૨૪ દિવસ જ આ સી પ્લેન ઉડ્યું છે. ભલે તાજેતરમાં સી પ્લેન સેવા ઓપરેટ કરતી કંપની સ્પાઇસજેટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હોય કે કંપની ૨૭ ડિસેમ્બરથી સી પ્લેન સર્વિસ ફરી શરું કરવા જઈ રહી છે અને તે માટે બુકિંગ સર્વિસ ૨૦ ડિસેમ્બરથી શરું થશે જાેકે હજુ સુધી પણ આ પ્લેન સેવા માટે ન તો ઓનલાઈન બુકિંગ શરું કરવામાં આવ્યું છે ન રિવરફ્રંટ પર આવેલા વોટરડ્રોમ ખાતે કંપનીનું બુકિંગ કાઉન્ટર ઓપન છે. સ્પાઇસ જેટની સત્તાવાર વેબસાઇટ પર ૨૭ ડિસેમ્બર અને તેના પછીની તારીખો માટેનો ફ્લાઇટ દર્શાવે છે. જ્યારે વોટરડ્રોમ ખાતે બુકિંગ કાઉન્ટર પણ બંધ છે.

ગત સપ્તાહમાં એરલાઇનના પ્રવક્તાએ કહ્યું હતું કે સી પ્લેન સર્વિસ આગામી ૨૭ ડિસેમ્બરથી શરું થશે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતોએ કહ્યું કે ડચકા ખાતી સર્વિસ અને બુકિંગ ચેનલના પણ કોઈ ઠેકાણાં ન હોવાથી તેની સીધી અસર આ સેવા પ્રત્યે ગ્રાહકોના વિશ્વાસ પર પડશે. ટ્રાવેલ એજન્ટ્‌સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી મનિષ શર્માએ કહ્યું કે, ટુરિસ્ટો જ્યારે કોઈ સર્વિસ માટે પે કરતા હોય છે ત્યારે તેઓ એ બાબતનું ચોક્કસ ધ્યાન રાખે છે કે સર્વિસ કેટલી નિયમિત છે અને તેનાથી લોકોને કેટલો સારો અનુભવ મળે છે. જાે સર્વિસ નિયમિત ન ચાલતી હોય તો તેનાથી ટુરિઝમને નુકસાન પહોંચે છે અને કોઈ પ્રકારનું બુસ્ટિંગ મળતું નથી. સી પ્લેન સર્વિસને લઈને શરુઆતથી જ સમસ્યા રહી છે. આ સર્વિસની શરુઆતથી જ બુકિંગ માટે કોઈ યોગ્ય સિસ્ટમ નથી. જેમ કે જેવી સર્વિસની શરુઆત થઈ કે એરલાઇન બુકિંગ રિક્વેસ્ટ તો સ્વિકારતી હતી પરંતુ બુકિંગ કન્ફર્મેશન આપતી નહોતી. તો બીજી તરફ પ્લેનના મેન્ટેનન્સની ફેસિલિટી હજુ પણ તૈયાર થઈ રહી છે. સી પ્લેનને દર ૩-૪ મહિને મેન્ટેનન્સ કરાવવું પડે છે. જેના માટે વેટ અને ડ્રાય એમ બંને પ્રકારના ડોકની જરુરિયાત રહે છે. જે રિવરફ્રન્ટ પર સી પ્લેન જેટીની બાજુમાં હજુ પણ તૈયાર થઈ રહ્યા છે. આ જ કારણે સી પ્લેનને મેન્ટેનન્સ માટે પરત માલદિવ મોકલી દેવામાં આવ્યું છે. બીજી તરફ આ પ્લેન મેન્ટેનન્સ થઈને માલદિવમાં લોકલ સર્વિસમાં ઉપયોગ લેવામાં આવી રહ્યું છે.