ગાંધીનગર-

રાજ્ય સરકાર દ્વારા તા. 31 જુલાઈથી રાજયમાં કોરોનાની ગાઈડ લાઇનમાં છૂટછાટ અપાઈ છે. તેમાં સામાજિક,રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખુલ્લા કે બંધ સ્થળોએ યોજવા માટે 400 વ્યક્તિની હાજરીને પરમીશન અપાઈ છે. પરંતુ લગ્ન પ્રસંગે માત્ર 150 અને મરણ પ્રસંગે માત્ર 40 વ્યક્તિની મંજૂરી અપાઈ છે. લગ્ન અને મરણ પ્રસંગ રાજ્ય સરકારની સામાજિક પ્રસંગની વ્યાખ્યામાં આવતા નથી તેવી સ્પષ્ટતા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેના કારણે નાગરિકોમાં ભારે નારાજગી પ્રસરી છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂથી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપી છે. રાત્રિ કરફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે આવતીકાલે તા. 31 જુલાઈથી અમલી કરવામાં આવશે. પરંતુ કોરોના ગાઈડલાઈનને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા આ ગાઈડ લાઈનમાં લગ્ન પ્રસંગને સામાજિક કાર્યક્રમમાં ન ગણવામાં આવ્યો નથી. જેના કારણે હજુ પણ લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોની હાજરીને જ માન્ય રાખવામાં આવી છે. જ્યારે સામાજિક અને રાજકીય પ્રસંગોમાં 400 વ્યક્તિઓની હાજરીની પરમીશન આપવામાં આવશે. આવી જ રીતે સાથે મરણ પ્રસંગમાં માત્ર 40 વ્યક્તિઓની હાજરીની છૂટ આપવામાં આવી છે. આ તમામ ગાઈડલાઈન આવતીકાલ તા. 31 જુલાઈથી સમગ્ર રાજયમાં અમલી બનશે.

સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી તા. 31 જુલાઈથી આ નવું જાહેરનામું લાગુ થશે. જેમાં નાગરિકોને અનેક છૂટછાટો આપવામાં આવી છે. જેમ કે, રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત અપાઈ છે. એટલે કે, આ આઠ મહાનગરોમાં હવે રાત્રિના 11 વાગ્યા થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ માટે ખુલ્લા કે બંધ સ્થળે માત્ર 150 વ્યક્તિની હાજરીને મંજૂરી અપાશે. રાજયમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી ફરજિયાત કરાયેલી છે.

જ્યારે ગણેશ મહોત્સવમાં 4 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપનાની છૂટ અપાઈ છે. ગણેશોત્સવ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બંધ સ્થળોએ પણ 400 વ્યક્તિની છૂટ આપવામાં આવી છે. તો રાજયમાં 60 ટકા ક્ષમતા સાથે જિમ ખુલ્લા રહેશે. તેવી જ રીતે બાગ- બગીચાઓને રાત્રિના નવ વાગ્યા સુધી અને હોટેલ – રેસ્ટોરન્ટ્સને રાત્રિના દસ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે, જ્યારે રાજયભરમાં સ્પા ખોલવાની મંજૂરી અપાઈ નથી.

-ખુલ્લા અથવા બંધ સ્થળે લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા

-રાજ્યમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી જરૂરી

-રાજ્યમાં અંતિમવિધિ માટે 40 લોકોની મંજૂરી આપવામાં આવી

-ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક કાર્યક્રમોમાં 400 લોકોની છૂટ

-ગણેશ મહોત્સવમાં 4 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપનાને મંજૂરી

-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ 400 લોકોને છૂટ આપવામાં આવી

-આવા કાર્યક્રમોમાં બંધ સ્થળોએ પણ 400 વ્યક્તિઓની છૂટ

-શૈક્ષણિક સંસ્થાઓ SOP સાથે ચાલુ રહેશે, નિયમ પાલન જરૂરી

-રાજ્યભરમાં 60 ટકા ક્ષમતા સાથે જીમ ખુલ્લા રહેશે

-રાત્રે 9 વાગ્યા સુધી બાગ-બગીચાઓ ખુલ્લી રાખી શકાશે

-હોટેલ, રેસ્ટોરેન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ

-રાજ્યમાં સ્પા ખોલવાની હજુ મંજૂરી નહીં, સ્પા બંધ રહેશે