ગાંધીનગર-

સુરતમાં આનાથી વધુ ભયાનકતા ‘કોરોના’ની શું હોય શકે? વિનાશક સ્વરૂપ ધારણ કરી ચૂકેલા કોરોનામાં મૃત્ય પામેલા દર્દીના મૃતદેહના પેકિંગ માટે પણ કર્મચારીઓને પગારની સાથે વધારાનું વળતર આપવાની નોબત આવી પડી છે. સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીના એક મૃતદેહના પેકિંગ અને સુવ્યવસ્થિત કાગજી કાર્યવાહી કરનારા કર્મચારીને પગારના સાથે રૂપિયા ૧૦૦-૧૦૦નું ઇન્સેન્ટિવ આપવાનું શરૂ કરાયું છે.

શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની ભયાનકતાને ચિતાર શહેરની સિવિલ-સ્મીમેર હોસ્પિટલ અને સ્મશાનગૃહોમાં મળી રહ્યો છે. કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દી ટપોટપ મોતને ભેટી રહ્યા છે. વીતેલા ૨૪ કલાકમાં સિવિલમાંથી ૫૧ અને સ્મીમેરમાંથી ૧૯ મૃતદેહની કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરાઈ હતી. કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ સોંપતા પહેલા થઈ રહેલી ગરબડ તેમજ વધુ પડતો સમય વેડફાઈ રહ્યો હોય સગાં-સંબંધીઓને ભારે હાલાકીનો સામન કરવો પડી રહ્યો છે, ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવા સિવિલ તંત્રએ મૃતદેહનું પેકિંગ કરતા તેમજ કાગળની કામગીરી કરતા ડેટા ઓપરેટરને ઇન્સેન્ટિવ આપવાનું શરૃ કર્યું છે.

આ અંગે તબીબી અધિકારીએ કહ્યું હતું કે, વર્ગ-૪ના કર્મચારી (સર્વન્ટ)ને પગાર ઉપરાંત રૂપિયા ૧૦૦નું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. જાે કર્મચારી તેની ડયૂટીના સમય દરમિયાન ૧૦ મૃતદેહ પેકિંગ કરે તો તે દિવસના એક હજાર મુજબ મહિનાના અંતે બિલ બનાવી પગારની સાથે ઇન્સેન્ટિવની એકત્ર થયેલી રકમ ચૂકવવામાં આવશે. આ કામગીરી કરવા માટે કર્મચારી મળતા નથી તેમજ કર્મચારી આવે છે તો કામગીરી સારી રીતે થતી નથી, તે માટે ઇન્સેન્ટિવ આપવા નક્કી કરાયું છે.