આણંદ, તા.૧૮ 

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘો ઓળઘોળ થયો હતો. આણંદના તારાપુર અને સોજિત્રામાં ધમાધમ પાંચ ઈંચ વરસાદને પગલે ચારેબાજુ પાણી ફરી વળ્યાં હતાં. આ સાથે પેટલાદ અને ખંભાતમાં ચાર ઈંચ, બોરસદમાં પોણા બે ઈંચ અને આણંદમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ તારાપુર પંથકમાં પાંચ ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. તારાપુર તાલુકાના ગામોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ડિઝાસ્ટર વિભાગના આંકડાઓ મુજબ, તારાપુર પંથકમાં છેલ્લાઠ ૨૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદનોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરો અને ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયાં હતા. તારાપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાના - મોટા તળાવોમાં વરસાદી પાણીની આવક થતાં છલકાઈ ગયાં હતાં. ધોધમાર વરસાદને કારણે કાંસના પાણી આસપાસના માર્ગો અને ખેતરોમાં પણ ફરી વળતા લોકો ભારે હાલાકીમાં મૂકાઈ ગયાં છે. મોરજ ગામમાંથી પસાર થતો કાંસ ઓવરફ્લો થતાં પાણી દૂધ મંડળી વિસ્તાર, સ્વામીનારાયણ નગરના રસ્તાઓ ઉપર ફરી વળ્યાં હતાં. ઘૂંટણસમા પાણી અહીં ભરાઈ ગયાં હતાં. મોરજ ગામના સ્થાનિકોનું કહેવું છે કે, સ્વામીનારાયણ નગરના માર્ગ પરનું ગરનાળું ઘણાં સમયથી તૂટી ગયું છે. પરિણામે ભારે વરસાદના કારણે કાંસના પાણી સમગ્ર માર્ગ પર ફરી વળ્યાં હતાં. આ માર્ગ પર અવર જવર કરવું જાેખમી બની ગયું છે.  

આ અંગે વધુ એક સ્થાનિક નાગરિકનું કહેવું છે કે, ભારે વરસાદના કારણે કાંસના પાણી ખેતરોમાં ફરી વળ્યાં બાદ હવે આ પાણી મોરજ ગામના વિસ્તારોમાં ફરી વળ્યાં છે. ગામના અનેક માર્ગો પર ઢીંચણસમાણા પાણી ફરી વળતાં લોકોની હાલત કફોડી બની છે.

આવી જ સ્થિતિ ખંભાત તાલુકાના તરકપુર ગામની પણ છે. અહીં પણ પાણી ફરી વળતાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયાં છે. તરકપુર ગામને જાેડતાં તમામ માર્ગો પર ઢીંચણથી વધુ પાણી ફરી રહ્યાં છે. તરકપુર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ભારે પાણી હોવાના કારણે ગ્રામજનો માટે માર્ગ પરથી પસાર થવું જીવ માટે જાેખમરૂપ બન્યું છે. અનેક મકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળતાં લોકો ભારે હાલાકીમાં મૂકાયાં હતાં. નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોનાં મકાનોમાં પાણી ફરી વળતા અનેક પરિવારોએ સ્થળાંતર કરી ગામની પ્રાથમિક શાળામાં આશ્રય લીધો છે.

તારાપુર-જીચકા રોડ ઉપર પાણી ભરાવાના કારણે જીચકા, ગોરાડ, ખાખસર, પાદરા, રેલ, આંબલીયારા, વલ્લી, જાફરાબાદ સહિતના ગામોના માર્ગ ડૂબી ગયાં હતાં. આ ગામોનો તારાપુર સાથેનો સંપર્ક ખોરવાયો ગયો છે. ભારે પાણી હોવાના કારણે ગ્રામજનો આ માર્ગ પરથી અવર જવર કરી શકે એવી સ્થિતિ નથી.તારાપુર પંથકમાં છેલ્લાં ૪૮ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે! પરિણામે ખેતરોમાં પાણી ફરી વળતાં ડાંગરનો પાક બોરાણમાં જવાના કારણે ધરતીપૂત્રોને ભારે નુક્સાન થયું હોવાનો અંદાજ છે. વળી ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને અનાજને પણ નુક્સાન થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં

બોરસદ વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી વાતાવરણ બદલાઈ ગયું છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. બોરસદ શહેર અને તાલુકામાં છેલ્લાં ચાર દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું હોવાથી ચારેબાજુ પાણી ફરી વળ્યાં છે. બોરસદની વાસદ ચોકડી, આણંદ ચોકડી, પાંચવડ, સિંગલાવ રોડ સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. વાસદ ચોકડી પાસે આવેલી મહંમદી સોસાયટીમાં રાત્રીના સુમારે દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોએ આખી રાત ઉજાગરો વેઠવો પડ્યો હતો. આ વિસ્તારમાં બનેલાં કોમ્પ્લેક્સો અને સોસાયટીના બાંધકામ સમયે પાલિકા દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું ન હોવાથી હવે વરસાદી પાણીના નિકાલની કાંસો પૂરાઈ ગઈ છે. સામાન્ય વરસાદમાં પણ સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે.

ગાબડાંનો હાઇવે ઃ ભ્રષ્ટાચારના ખાડાંઓ દેખાવા માડ્યાં!

બોરસદ શહેરમાં અવિરત મેઘમહેરને લઇ આણંદ ચોકડી પાસેથી પસાર થતાં હાઇવે પર મસમોટા ગાબડાં પડી ગયાં છે. અહીં દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં વહીવડટી તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. વાસદ-બગોદરાને હાઇવે માર્ગ પર મસમોટા ગાબડાં પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.