વડોદરા, તા.૬ 

કારેલીબાગમાં રહેતા યુવકે તેના વોટ્‌સએપ સ્ટેટસમાં તાજીયા પર કેસરી ઝંડો ફરકતો હોવાનું મોર્ફીંગ કરેલું સ્ટેટસ મુક્યું હતું. આ અંગેની રાવપુરામાં રહેતા મુસ્લીમ અગ્રણીએ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે મુસ્લીમ ધર્મની લાગણી દુભાય તે રીતે વોટ્‌સએપ સ્ટેટસ રાખતા યુવકની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. રાવપુરા મચ્છીપીઠમાં રહેતા મુસ્લીમ અગ્રણી મૈાનીશ ખલીલએહમદ પીરજાદાને ગઈ કાલે બપોરે તેમના પરિચિત મારફત જાણ થઈ હતી કે કારેલીબાગ વિસ્તારમાં શારદામંદિર સ્કુલની પાછળ રેઈનબસેરા એકતાનગરમાં રહેતા ૨૦ વર્ષીય વૃષભ ધર્મેશભાઈ કહારે તેના વોટ્‌સએપ સ્ટેટસમાં મુસ્લીમ ધર્મના તાજીયા ઉપર મોર્ફીંગ કરીને કેસરી રંગનો ઝંડો ફરકતો બતાવી તેમજ તેના નીચે અપશબ્દો લખી મુસ્લીમ ધર્મની ધાર્મિક લાગણી દુભાય તે રીતે વોટ્‌સએપ સ્ટેટસ બનાવ્યું છે. આ અંગેની ખાત્રી કર્યા બાદ તેમણે વૃષભ કહારના મોબાઈલ નંબર સાથે કારેલીબાગ પોલીસ મથકમાં ગત મોડી રાત્રે તેની વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે ગણતરીના સમયમાં જ વૃષભ કહારને ઝડપી પાડી તેનો મોબાઈલ ફોન પણ કબજે કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃષભ કહાર પ્રાથમિક સ્તરના અભ્યાસ બાદ હાલમાં કોમ્પ્યુટરમાં ટેલીનો કોર્સ શીખી રહ્યો હોવાની વિગતો મળી હતી.