ગાંધીનગર-

લોકડાઉન દરમિયાન ગરીબ કાર્ડ ધારકોને અનાજનો જથ્થો મળે તે માટે રાજ્ય સરકારે યોજના જાહેર કરી હતી પણ કોરોના ના કપરા કાળમાં પણ કાળાબજારિયા તકનો લાભ લેવાનું ચૂક્યા નથી. ગરીબોનું અનાજ બારોબાર વેચી મારવાની ઘટનાઓ પ્રકાશમાં આવતાં સરકાર સફાળી જાગી હતી અને નાગરિક પુરવઠા વિભાગે આખા રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર ચેકિંગ કરતા અનાજ સગેવગે કરવાનું બહાર આવ્યું હતું.

રાજ્ય નાગરિક પુરવઠા વિભાગે ચેકિંગ કરતા ઘણી ગેરરીતિ બહાર આવી છે જેના પગલે રાજ્યમાં ૭૦ જેટલા સસ્તા અનાજની દુકાનના લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૦થી વધુ સસ્તા અનાજની દુકાનદારો પર પીબીએમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે .આ એક્ટ મુજબ છ મહિનાની જેલની જોગવાઈ છે. ચેકિંગ દરમિયાન રાજ્ય સરકારે અનાજનો જથ્થો સીઝ કર્યો છે. રાજ્ય નાગરિક પુરવઠા વિભાગની ટીમોએ સૌરાષ્ટ્ર, રાજકોટ વડોદરા સહિતના શહેરમાં ચેકિંગ કરતા ગેરરીતિ બહાર આવી છે.