વડોદરા, તા. ૧૮

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ટાર્ગેટના ૯૫ ટકા સુધી વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે ત્યારે પાલિકા દ્વારા ૧૨ ટીમો બનાવી વેરા વસૂલાતની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેમાં એક દિવસમાં ૧૮૪ કોમર્શિયલ મિલકતને સીલ કરીને રૂ. ૨.૧૭ કરોડ ની વસુલાત કરી છે.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તાજેતરમાં આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરોની એક બેઠકમાં માર્ચના અંત સુધીમાં ૯૫% વેરાની વસુલાત કરવાની સૂચના આપી હતી જેના આધારે વહિવટી વોર્ડ દીઠ વેરા વસૂલાત માટે ટીમો બનાવીને બાકી વેરા વસૂલાત માટે કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વહિવટી વોર્ડ નંબર ૧ થી ૧૨ મા સોમવારે ૧૮૪ કોમર્શીયલ મિલકતને સીલ મારવામાં આવ્યું હતું વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ થઈ ત્યારથી તા.૬થી આજ દિન સુધી છેલ્લા એક અઠવાડિયા દરમિયાન માં કોર્પોરેશને ૧૨૦૦ કોમર્શીયલ મિલકતને સીલ કરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૨૫૦૦૦થી વધુ રકમ ના મિલકતવેરા બાકી હોય તેવા ૧૫૦૦૦ બાકીદારોને નોટિસ આપી નાણાં ભરપાઇ કરવા જણાવ્યું છે. આ ૧૫૦૦૦ બાકીદારો પાસેથી અંદાજે રૂ.૧૫૦ કરોડ ની વસુલાત કરવાની બાકી છે.નોટીસ છતા વેરા નહી ભરનાર મિલ્કત ધારકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, ચાલુ નાણાંકિય વર્ષમાં અત્યાર સુધીમાં રૂા.૪૦૫ કરોડના વેરાની વસુલાત થઈ હોંવાનુ જાણવા મળે છે.