આણંદ : આણંદના બાકરોલ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે આણંદ જિલ્‍લા-તાલુકાના ૧૩ શ્રેષ્‍ઠ શિક્ષકોનું ગુજરાત રાજ્ય નાગરીક પૂરવઠા નિગમ લિમિટેડના અધ્યક્ષ રાજેશભાઈ પાઠક સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્‍કાર, સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્યું હતું. 

રાજેશભાઈ પાઠકે, આ પ્રસંગે કહ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણ અને શિક્ષકોની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ પરંપરાને આપણે આજ સુધી ટકાવી રાખી છે. કારણ કે કોઈ પણ રાષ્ટ્રનું મુલ્યાંકન તેની સંપત્તિથી નહીં પરંતુ રાષ્ટ્ર કેટલું શિક્ષિત છે તેના ં આધારે થતું હોય છે.

રાજેશભાઈએ સન્માન મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાઇરસના કારણે મહામારી જેવી સ્થિતિમાં બાળકોને ભણતરની આદત ન છૂટે તે માટે શિક્ષકો પોતાના આરોગ્યની ચિંતા કર્યા વિના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે તેમને ઘરે જઈને અથવા વચ્ર્યૂઅલ ક્લાસ દ્વારા અભ્યાસ કરાવી રહ્યાં છે. શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલ શિક્ષણના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે જિલ્‍લા-તાલુકા કક્ષાએ શ્રેષ્‍ઠ કામગીરી કરનાર ૧૩ શિક્ષકોનું ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પુરસ્‍કાર, સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જિલ્‍લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના ૯ શિક્ષકોનો સમાવેશ થાય છે. આજે આણંદ ખાતે સન્‍માનિત કરવામાં આવેલ ૧૩ શિક્ષકોમાં ૪ શિક્ષકોનું જિલ્‍લાના અને ૯ શિક્ષકોનું તાલુકા કક્ષાના શ્રેષ્‍ઠ તરીકે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જિલ્‍લા કક્ષાએ ચાર શિક્ષકોમાં આંકલાવ તાલુકાના બીઆરસી ભવનના કોર્ડિનેટર ઈશ્વરલાલ પ્રજાપતિ, આણંદ તાલુકાના આણંદ હાઈસ્કૂલનાં મ.શિક્ષક ડૉ. રાકેશકુમાર રાવત, નાવલી કુમાર શાળાના મ. શિક્ષક શ્રીમતી બિન્દુબેન પટેલ, સોજિત્રા તાલુકાના પ્રાથમિક શાળા ડાલીના જીજ્ઞેશકુમાર પ્રજાપતિનો સમાવેશ થાય છે.

તાલુકા કક્ષાએ આણંદ તાલુકાના વઘાસી ગામની સિનિયર બેઝિક શાળાના મ.શિક્ષક દક્ષાબેન પટેલ, ત્રણોલની લાલપુરા પ્રાથમિક શાળાના વિજયકુમાર ભોઈ, બોરસદના કાકડ ગામની આદર્શ પ્રા.શાળાના મ.શિક્ષક શ્રદ્ધા ભાવસાર, તોરણાવમાતાની પ્રાથમિક શાળાના મ.શિક્ષક લલિતકુમાર ગોહેલ, ઉમરેઠ તાલુકાના મેડીપુરા ગામની પ્રાથમિક શાળાના મ.શિક્ષક ગીરીશકુમાર પટેલ, ખંભાત તાલુકાના ઉંદેલ ગામની જહાંગીપુરા પ્રા.શાળાના મ.શિક્ષક ગૌતમકુમાર ગોહેલ, પેટલાદ પ્રાથમિક ઉર્દૂમિશ્ર શાળાના મ.શિક્ષક શેખ મુબીનાબાનું, આંકલાવ તાલુકાના ભાણપુરા ગામની પ્રા.શાળાના મ.શિક્ષક પિંકલબેન પટેલ અને નવાપુરાની મહાદેવપુરા પ્રા.શાળાના મ.શિક્ષક પ્રદિપકુમાર પટેલના નામનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાત ગૌરવદિન સ્પર્ધામાં આણંદ જિલ્લાને ગૌરવ અપાવનાર આઈ.બી. પટેલ સ્કૂલની વિદ્યાર્થીની શિવાની, બોચાસણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શિલ્પા પરમારનું પ્રમાણપત્ર આપીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવોદિતાબેન ચૌધરીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. જયારે અંતમાં ડાયટના પ્રાચાર્ય હિતેશભાઇ દવેએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહિડા, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, જિલ્‍લા શિક્ષણાધિકારી જી. ડી. પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન ફતેસિંહ સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ સોલંકી, આણંદ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, જિલ્લાના રાજ્યના, જિલ્લાના અને તાલુકાના શિક્ષણ સંઘના હોદ્દેદારો, અગ્રણીઓ, અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.