વડોદરા : રાધાકૃષ્ણન જયંતિ શિક્ષક દિવસને અનુલક્ષીને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ઊર્મિ સ્કુલ ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી સહિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના આઠ મળી ફુલ ૧૨ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. નર્મદા વિકાસ મંત્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને માત્ર ભણાવવાથી કામ પૂરું થઈ જતું નથી, શિક્ષકો એમને બહારના જગતનો પરિચય કરાવે અને એને ઓળખવાની કુશળતા એમનામાં ખીલવે. તેમણે શાળાની શાખ વધે અને નામના કેળવાય એ લક્ષ્ય સાથે શિક્ષકોને કામ કરવા અનુરોધ કર્યો હતો.અને કહ્યું કે, કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહેતો હોય તો એની ગેરહાજરીનું કારણ જાણી એના નિવારણના પ્રયત્નો શિક્ષકો કરે. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ પ્રાસંગિક ઉદબોધન ક્રયું હતું. 

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ને રૂ.૧૫ હજારનો ચેક, પ્રશસ્તિ પત્ર અને શાલ તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક ને રૂ.૫ હજારનો ચેક, પ્રશસ્તિ પત્ર અને શાલ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષકો પૈકી રોહન ત્રિવેદીએ બાંસુરી વાદન દ્વારા સરસ્વતી વંદના કરી હતી. શાળામાં શાકવાડીના ઉછેરનો અભિનવ પ્રયોગ કરનાર નરેન્દ્ર ચૌહાણ સહિત પ્રાથમિક માધ્યમિક શિક્ષકોનો સન્માનિતોમાં સમાવેશ થતો હતો. યાદ રહે કે, વડોદરા જિલ્લાના એક શિક્ષક રાષ્ટ્રીય સ્તરે અને બે શિક્ષકો રાજયસ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે આજે સન્માનિત થયા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શિક્ષકદિને શિક્ષકોનું સન્માન કરી ઉજવણી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા આયોજિત શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે ૬૨ નિવૃત્ત શિક્ષકોનો સન્માન, એક શ્રેષ્ઠ શાળા, એક શ્રેષ્ઠ આચાર્ય, ત્રણ શ્રેષ્ઠ શિક્ષકો અને એક શ્રેષ્ઠ બાલવાડી શિક્ષકનું સન્માન ભક્ત કવિ નરસિંહ મહેતા હોલ, મધ્યવર્તી બિલ્ડિંગ ખાતે શહેરના મેયર ડો. જિગીશાબેન શેઠ સહિતના મહાનુભાવોએ નિવૃત્ત શિક્ષકોને શાલ, સ્મૃતિચિહ્ન, ખેસ અને બુકે આપીને સન્માનિત કર્યાહતા. જેમાં રૂષિ વિશ્વામિત્ર પ્રાથમિક શાળા (બપોર) ન.પા.શહેર વિ.૧૫ રામદેવનગર-રની પાસે, આજવા રોડ શ્રેષ્ઠ શાળા તરીકે, જ્યારે શ્રેષ્ઠ આચાર્ય ૨૦૨૦માં જિગરભાઈ ઠાકર (મુ.શિ.) કવિ દુલાકાગ પ્રાથમિક શાળા, ન.પા. શહેર વિભાગ શાળા નં.૩૧, શૈલેષકુમાર પ્રજાપતિ મહર્ષિ અરવિંદ પ્રા.શાળા ન.પા. સયાજીગંજ શાળા નં.૪૭, દીપલબેન જયસ્વાલ સ્વામી વિવેકાનંદ પ્રા.શાળા, ન.પા. ફતેપુરા શાળા નં.૧૮ (સવાર), મિતલબેન પંચાલ (ઉ.શિ.) ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રા.શાળા ન.પા. સયાજીગંજ શાળા નં.૧૪ (સવાર), સંધ્યાબેન સુધીર ભદે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બાલવાડી નં.૭ (ગુજરાતી)નો સમાવેશ થાય છે.

શંકરલાલ ત્રિવેદીનું સન્માન

નોંધનીય છે કે, માંજલપુરની શિવમ વિદ્યાલયના ટ્રસ્ટી અને શિક્ષક શંકરલાલ ત્રિવેદીનું સન્માન ડો. વાગીશકુમારજીએ કર્યું હતું.