નવી દિલ્હી 

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની અને કેનબરામાં વનડે અને ટી20 સીરિઝ રમી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) અને ન્યૂ સાઉથ વેલ્સ સરકાર વચ્ચે આ અંગે ટૂંકમાં જ કરાર થઈ શકે છે. આ દરમિયાન સીએની ટીમ ઈન્ડિયાના ક્વોરેન્ટાઈન અંગે ક્વિન્સલેન્ડ અને સાઉથ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલુ છે. ન્યૂ સાઉથ વેલ્સથી ટીમ ટૂરની શરૂઆત કરી શકે છે. રાજ્યના રમતગમત મંત્રી સ્ટૂઅર્ટ આયરસે સીએ તરફથી ટૂર સંબંધિત પ્રસ્તાવ મળ્યા અંગે જણાવ્યું છે.

આયરસે કહ્યું કે, ‘સીએએ ન્યૂ સાઉથ વેલ્સ સરકારને ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા પરત ફરનારા ખેલાડીઓ માટે સિડનીમાં ક્વોરેન્ટાઈન અંગે જણાવ્યું છે. અત્યારે હેલ્થ અને પોલીસ સહિત અન્ય વિભાગ તપાસ કરી રહ્યા છે. ટૂરનો કાર્યક્રમ સીએ જાહેર કરશે અને તેની અમારા ક્વોરન્ટીન નિયમો પર કોઈ અસર નહીં થાય. સરકાર અને સીએ વચ્ચે કરાર પછી ટૂરનું શિડ્યુલ ફાઈનલ કરીને બીસીસીઆઈને મોકલાશે. કેમ કે, તેમાં વનડે અને ટી20 સીરિઝ ઉમેરાઈ છે.’ સિડનીમાં જ 25 ઓક્ટબરથી મહિલા બિગ બેશની મેચો પણ રમાવાની છે. આથી, સીએને અહીં ખેલાડીઓને ક્વોરન્ટીન સુવિધા આપવામાં મુશ્કેલી નહીં પડે.